અમદાવાદમાં નર્સિંગ કોલેજ અચાનક જ બંધ: સંચાલકો તાળા મારી છૂ

અમદાવાદ, અમદાવાદમાં આવેલી નર્સિંગ કોલેજના પાટિયા અચાનક જ પડી ગયા છે. કોલેજના સંચાલકો રીતસરના ફી ઉઘરાવી છૂ થઈ ગયા છે. આ કોલેજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી છે. જેનું નામ શ્રી લક્ષ્મી પેરામેડિકલ કોલેજ છે. આ શ્રીલક્ષ્મી પેરામેડિકલ કોલેજ હજુ બે વર્ષ અગાઉ જ શરુ કરવામાં આવી હતી. આ કોલેજમાં નર્સિંગ કોર્સ ભણાવવામાં આવતો હતો. જે વિદ્યાર્થી આ કોર્સમાં એડમીશન લેવા માંગતા હોય તેમને વીસ હજાર ફી ચૂકવવાની હોય છે. પરંતુ આ કોર્સની એક્ચ્યુઅલ ફી એક થી બે લાખ જેટલી હતી.

આ કોલેજમાં લગભગ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ પૈસા સહીત ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કર્યા હતા. આ સંસ્થા થોડા સમય માટે ચાલી અને ત્યારબાદ અચાનક જ બંધ થઇ ગઈ હતી. ઓફિસને આમ અચાનક તાળા લાગી જવાથી વિદ્યાર્થીઓમાં ટેન્શનનો માહોલ છવાઈ ગયો હતો.

આ કોલેજના સંચાલકોએ આશરે ત્રણ થી ચાર કરોડ જેટલી ફી ઉઘરાવી હતી. ત્યારબાદ અચાનક જ આ કૌભાંડી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તેમના ફોન પણ બંધ કરી દીધા હતા જેથી કોઈ તેમનો સપર્ક ન સાધી શકે. આ ઘટના બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી, આટલું જ નહિ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. કેમ કે આ ૧૫૦ વિદ્યાર્થીઓના ભવિષ્ય નો સવાલ છે જેમાં તેમની પાસેથી તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ જ છીનવાઈ ગયા છે. તો ઓરીજનલ ડોક્યુમેન્ટ અને બીજી તરફ મધ્યમ વર્ગના લોકો સાથે થયેલી છેતરપિંડી સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

આ ડોક્યુમેન્ટનો દુરુપયોગ પણ થઇ શકે છે તેવી ચિંતા વાલીઓમાં જોવા મળી હતી. અમદાવાદમાં આવેલી કોલેજ અચાનક બંધ જતા આ સમગ્ર મામલાને નરોડા પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવ્યો હતો, પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.