અમદાવાદના નરોડામાં કારની અડફેટે યુવકનું મોત

અમદાવાદ,

અમદાવાદમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં પરિવારના આધારસ્તંભ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. શહેરના નરોડા પાટિયાથી દેવી સિનેમા રોડ પર આ ઘટના બની હતી કે જ્યાં વિરાટનગરનો રવિ જોગુ નામના યુવકને કારે કચડી નાંખતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક રવિ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો આ દરમ્યાન તે વાહનથી બચવા જતાં નીચે પડી ગયો. આ દરમ્યાન પૂરપાટ વેગે આવતી કારે રવિને કચડી નાંખતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

બીજી તરફ કારચાલક રવિને કચડી નાંખ્યા બાદ ફરાર થઇ ગયો હતો અને મૃતક રવિ વિરાટનગરમાં નાની બહેન અને માતા સાથે રહેતો હતો અને પરિવારમાં તે એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. હાલ સમગ્ર મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નરોડામાં હિટ એન્ડ રનની ઘટના જ્યાં બની તે રસ્તા પર બમ્પના અભાવે વારંવાર અકસ્માત થતાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અગાઉ પણ આ જ રોડ પર આ પ્રકારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ તેમનો જીવ ગુમાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે નરોડા પાટિયાથી દેવી સિનેમા વચ્ચે ડિવાઇડર હતું જે બંધ કરાતા લોકોને રસ્તો ક્રોસ કરવા ઘણો લાંબો ફેરો ફરવો પડે છે. નોંધનીય છે કે અમદાવાદમાં ગત રોજ બીએમડબ્લ્યુ કારે ટકકર મારતા એક દંપતી ઇજાગ્રસ્ત થયું હતું.આ ઘટનામાં આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.