અમદાવાદ, અમદાવાદના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હતા, તેમને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા હતા, જ્યારે બહાર કાઢવામાં આવેલા એકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક વ્યક્તિનું નામ વિનોદભાઈ હોવાનું જણાયું છે. જ્યારે શિલ્પાબેન, કિશનભાઈ, ગૌરવભાઈ અને તનિષ્કાને બચાવી લેવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે કોલ મળ્યો હતો કે, મીઠાખળી ગામમાં જૂનું મકાન પડ્યું છે. જેમાં કેટલાક લોકો દટાયા છે. જેથી ફાયરબ્રિગેડની પાંચેક જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે એક નાના બાળક સહિત ચાર લોકોને સ્થાનિક વ્યક્તિઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા હતા. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ બહાર ન આવ્યો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ૩૦ મિનિટની શોધખોળ બાદ તેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ૧૦૮માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ધરાશાયી થનાર ત્રણ માળનું મકાન વર્ષો જૂનું હતું.