મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા મોડી રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 3210 પેટી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1.51 કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ બે ટ્રક, ત્રણ બોલેરો અને એક હોન્ડા સિટી કાર આમ કુલ ભરીને 2.20 કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને 10 આરોપીની ધરપકડ કરાઈ છે. આ ગોડાઉન સાત મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાંથી દારૂનો ધંધો કરવામાં આવતો હતો, તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે.
મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા લાલપર ગામ પાસે છેલ્લા 7 મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા ગોડાઉનને ભાડે રાખવામાં આવ્યું હતું અને આ ગોડાઉનની અંદર રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે સંપર્કમાં રહીને દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને અમદાવાદના બુટલેગર જીમીત પટેલ દ્વારા ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો અહીંયા કરવામાં આવતો હતો તેવી વિગતો સામે આવી રહી છે.
હાલમાં જ્યારે એસએમસીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી, ત્યારે ગોડાઉનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 3210 પેટીઓ મળી આવતા પોલીસે 1.51 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે તે ઉપરાંત બે ટ્રક, ત્રણ બોલેરો ગાડી, એક હોન્ડા સિટી સાત વાહનને ત્યાં સ્થળ ઉપરથી કબજે કરીને ત્યાં હાજર રહેલા 10 શખ્સોની ધરપકડ કરેલ છે.
મોરબીમાં એક બે દિવસ કે એક બે અઠવાડિયાથી નહીં પરંતુ છેલ્લા સાત મહિનાથી આ ગોડાઉનને જીમિત પટેલ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હતો તેમજ આ દારૂનો જથ્થાની સપ્લાય હળવદ, વાંકાનેર, થાન ચોટીલા અને મોરબી વિસ્તારમાં કરવામાં આવતી હતી તેવી માહિતીઓ પણ સામે આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ, મોરબી જિલ્લા એસઓજીની ટીમ તેમજ સ્થાનિક મોરબી તાલુકા પોલીસ ટીમ અને અન્ય જે વિસ્તારની અંદર આ દારૂનો જથ્થો સપ્લાય થતો હતો. ત્યાંની સ્થાનિક પોલીસની ટીમ દ્વારા શું કામગીરી કરવામાં આવતી હતી તેના સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
મોરબી જિલ્લાની અંદર એક પછી એક સફળ રેડ એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં જે ચોતરફ નશાનો કારોબાર ચાલી રહ્યો છે તેની સામે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરીને બેઠી હોય તે પ્રકારનો ઘાટ હાલમાં મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે દારૂની બોટલો સાથે ગોડાઉનમાં માલ ઉતારવા માટે આવેલા 10 મજૂરો, ગોડાઉનના સંચાલક સહિતના લોકોની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધાર જીમિત પટેલ તેમજ રાજસ્થાનના તેના બે ભાગીદાર તેમજ પકડાયેલ વાહનોના માલિકો સહિત 11 આરોપીઓ વોન્ટેડ છે જે કુલ 21 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં નશાકારક દ્રવ્યોનું વેચાણ ખુલ્લેઆમ થતું હોય તેવો ઘાટ અવારનવાર જોવા મળતો હોય છે દરમિયાન એસએમસીની ટીમ દ્વારા વધુ એક સફળ રેડ કરીને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો મોરબીમાંથી પકડવામાં આવ્યો છે હાલમાં મળતી માહિતી મુજબ આ ગોડાઉનમાંથી વાંકાનેર, હળવદ, થાન, ચોટીલા અને મોરબી વિસ્તારમાં દારૂની સપ્લાય થતી હતી ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે ૧૦૦ ટકા સવાલ ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને મોરબી જિલ્લામાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે મોરબી જિલ્લામાં એસપી થી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓમાં હવે આ નબળી કામગીરીને ધ્યાનમાં રાખીને કોઈ પરિવર્તન કરવામાં આવશે કે કેમ તે પણ સૌ મણનો સવાલ છે.