અમદાવાદ, આમ તો મહેમાનને ભગવાન માનવામાં આવે છે અને એટલે જ આપણે ત્યાં અતિથિ દેવો ભવોનો સત્કાર પણ આપવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં માનવતાને સર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી એક યુવતીએ રાતના સમયે હોમગાર્ડ જવાન પાસે મદદ માગી, પરંતુ આ યુવતીને મદદના બદલે બદનામી મળી.
શહેર પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી એ હોમગાર્ડ જવાનની જવાબદારી હોય છે, પરંતુ આ હોમગાર્ડ જવાને ભક્ષકનું કામ કર્યું છે. આ આરોપીનું નામ અક્ષય રાઠોડ છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી ૨૪ વર્ષીય યુવતી ૧૧મી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને બીજા દિવસે રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર એસ ટી સ્ટેન્ડ પહોંચી હતી, જ્યાં જમવા જતા ઉદેપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી.
આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેપુરની બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી. જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડનો પોઇન્ટ હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય રાતનો સમય હોય યુવતીએ તેના પર વિશ્ર્વાસ કરી મદદ માગી હતી. જો કે હોમગાર્ડે આ યુવતીને વિશ્ર્વાસમાં કેળવી તેના પર બળાત્કાર ગુજાર્યો. યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હોમગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ અક્ષય રાઠોડને ઉદયપુરની બસ માટેની જગ્યા પૂછતા હોમગાર્ડ જવાને નાના ચિલોડાથી બસ મળશે તેવું જણાવતા યુવતીએ તેને ત્યાં મૂકી જવાનું કહ્યું હતું. હોમગાર્ડ જવાન તેને પોતાના વાહન પર નાના ચિલોડા રીંગરોડ ખાતે મુકવા ગયો હતો. જો કે ત્યાં પણ ઉદયપુર જવાની બસ ન મળતા યુવતીએ અક્ષય રાઠોડને નજીકની કોઈ હોટલનું એડ્રેસ પૂછ્યું હતું. જેથી હોમગાર્ડ યુવતીને નરોડા રીંગ રોડ પાસેની એક હોટલમાં લઈ ગયો હતો.
મોડી રાત થઈ ગઈ હોવાથી પોતે પણ હોટલના રૂમમાં રોકાઈ જશે અને અડધું ભાડું આપશે, તેવું યુવતીને જણાવતા યુવતી પાસે પૈસા ઓછા હોવાથી તેણે હા પાડી હતી અને બંને જણા એક જ રૂમમાં રોકાયા હતા. જો કે હોટલમાં હોમગાર્ડ જવાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને સવારે હોટલમાંથી નાસી ગયો હતો.
આ ઘટનાને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી, જો કે બપોરે તે ભાનમાં આવતા પરિવારનો સંપર્ક કર્યો હતો. અંતે આ બાબતને લઈને નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાની ગંભીરતા લઈને નરોડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તરત જ હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડની ધરપકડ કરી છે.
હોમગાર્ડ જવાન નરોડા વિસ્તારનો રહેવાસી છે અને તે નોબલનગર વિસ્તારમાં રાત્રીના સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને દિવસે મ્ જવાન તરીકે કામ કરે છે. આરોપી પોતે પરિણીત છે અને તેને દોઢ વર્ષનું બાળક છે. આ ઘટનાને લઈને નરોડા પોલીસે હાલ તો આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.