અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા, નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો

અમદાવાદ,કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. જે પછી નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો છે. ચાંગોદર ગોડાઉનમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો મળ્યો છે. પેઇન કીલર અને ઉંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યુ છે. મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પકડી પડાયો છે. જો કે દવા મગાવનાર વ્યક્તિ હાલ ફરાર છે.

નાર્કોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે એનડીપીએસ ડ્રગ્સનું એક વિશાળ કન્સાઈનમેન્ટ ગેરકાયદેસર બજારમાં વાળવામાં આવશે. આ બાતમી અનુસાર નાર્કોટિક્સ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જે પછી સીબીએન, નવી દિલ્હી અને ડ્રગ વિભાગ, ગુજરાતની પ્રિવેન્ટિવ ટીમે દરોડો પાડીને અલ્પ્રાઝોલમ ટેબ્સ- ૪૪,૫૫,૬૦૦ અને ટ્રામાડોલ કેપ્સ-૫૭,૮૭,૦૫૨ સહિત કુલ-૧,૦૨,૪૨,૬૫૨ ટેબ્લેટ અને કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે દવાઓનો આ જથ્થો મહેસાણાની દ્વારા મગાવવામાં આવ્યો હતો. દવાઓ મગાવનાર કંપનીનો માલિક હાલ જેલમાં છે. મહેસાણાનો મહેશ્ર્વર હેલ્થકેર નામનો ડિસ્ટીબ્યુટર ફરાર છે. મહેસાણાથી દવાઓનો જથ્થો અલગ અલગ રાજ્યોમાં સપ્લાઇ થતો હોવાનું પણ સામે આવ્યુ છે. મહત્વનું છે કે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ દ્વારા પહેલા દિલ્હી અને પછી રાજસ્થાનના બાડમેર અને સંચોલમાં પણ દરોડા પાડવામાં આવી ચુક્યા છે. જે કેસમાં ૫ આરોપીઓ હાલ જેલમાં છે. આ દરોડા નવેમ્બર ૨૦૨૨ માં પાડવામાં આવ્યા હતા.