અમદાવાદ: મકાનની છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નીપજ્યા

અમદાવાદ,શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમા મકાનની છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નીપજ્યા છે. શહેરના જીવરાજપાર્ક પાસે શિવશંકર નગરમાં આ દુર્ઘટના ઘટી છે. મંગળવારે મોડી રાતે આશરે અઢી કલાકે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં છતના પોપડા સાથે પંખો પણ પડ્યો હતો. જેના કારણે ઇજાગ્રસ્ત પિતા પુત્રના મોત નીપજ્યા છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાતે શિવશંકર નગરના એક ઘરમાં માતા, પિતા અને બે પુત્રો સૂતા હતા. આ દરમિયાન છત પરનો પોપડો નીચે પડ્યો તેની સાથે પંખો પણ નીચે પડ્યો હતો. જેના કારણે પિતા અને પુત્રનું મોત નીપજ્યુ છે. આ મકાન અંગે એમ પણ માહિતી મળી રહી છે કે, આ મકાનનું રિનોવેશન કરાવવાનું હતુ. જેના માટે મકાન માલિકે આ પરિવારને ઘર ખાલી કરવા પણ જણાવ્યુ હતુ. પરંતુ પરિવારે આ લોકો પાસે બે મિહનાનો સમય માંગ્યો હતો. તે માંગેલા સમય દરમિયાન જ આ દુર્ઘટના ઘટી હતી અને પરિવારના બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવી ગયો છે.

આ ઘટના બાદ આસપાસનાં લોકો પણ આ અવાજ સાંભળતા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ઘટના બાદ અફરાક્તફરીનો માહોસ છવાઇ ગયો હતો. સ્થાનિક પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ ઘરની બહાર તાળું મારી દીધું છે. જેથી કોઇ અંદર જઇ નહીં શકે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શહેરની જાણીતી વી.એસ હોસ્પિટલની ઓપરેશન થિયેટરની છતની દીવાલ તૂટી પડી હતી. ત્યારે પણ મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ હતી. વી.એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત પણ તૂટી પડી હતી. ત્યારે આ મોટી મનાતી હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે અહીં મોટી બેદરકારી સામે આવી છે. આ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની છતની દીવાલ પણ ધરાશાયી થઇ હોવાની માહિતી સામે આવી હતી.