અમદાવાદ: શહેરના સી.જી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન નામની ઓફિસમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને જીગર શુક્લ અને નિરવ મહેતા નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. વિદેશમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ અપાવવાના બહાના હેઠળ અલગ-અલગ યુનિવર્સિટીની ખોટી માર્કશીટ, નકલી સિક્કા તથા દસ્તાવેજનો જથ્થો વિપુલ પ્રમાણમાં સીઆઈડી ક્રાઈમે કબ્જે કર્યો છે. ખોટા દસ્તાવેજો, ભૂતિયા કંપનીના અનુભવના લેટર પેડ તથા સિક્કાના આધારે એક પ્રોફાઈલ બનાવવામાં આવતી અને કેન્ડીડેટ પાસેથી લાખો રૂપિયા વસુલવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં યુવાનોમાં જે પ્રમાણે વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે. તેને પગલે અમદાવાદમાં બોગસ વિઝા અપાનારા લોકો બિલાડીના ટોપની જેમ ફાટી નીકળ્યા છે. તેના અનુસંધાને છેલ્લા થોડા દિવસોથી સીઆઈડી ક્રાઈમના ફોર્ડ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગત 15 ડિસેમ્બરના રોજ શહેરના સી.જી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન નામની સંસ્થાની બે દુકાનો દરોડા પાડીને જીગર શુક્લ અને નિરવ મહેતા નામના બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી જીગર શુક્લને સાથે રાખીને સીઆઈડી ક્રાઈમે જ્યારે ઓફીસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે પોલીસને ઘણી બધી કંપનીઓના અનુભવના લેટર પેડ તથા યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ પણ મળી આવી હતી. જેમાં મોટા ભાગની માર્કશીટો છત્તીસગઢ યુનિવર્સિટીની હોવાનું સામે આવ્યું હતું.
આ તમામ બનાવટી ડોક્યુમેન્ટના આધારે વિઝા મેળવનાર લોકોની ખોટી પ્રોફાઈલ ઉભી કરવામાં આવતી હતી. તેના આધારે ત્યાર બાદ તે લોકોની વિઝા માટેની ફાઈલ મુકવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ સીઆઈડી ક્રાઈમ ફોર્ડ યુનિટ દ્વારા આરોપીની મેરેથોન પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આ તમામ નકલી દસ્તાવેજો અને તે પણ આટલા મોટા પ્રમાણમાં ક્યાંથી લાવ્યા હતા. ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં સીઆઈડી ક્રાઈમ તપાસ શરૂ કરી દીધી છે.