સબ સલામતીની છડી પોકારતા અમદાવાદમાં સોની વેપારીને ધોળે દહાડે ગોળી મારીને લૂંટી લેવાયો છે. અમદાવાદની પતાસા પોળ પાસે સોની વેપારીને લૂંટવામાં આવ્યો છે. લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયર કર્યુ હતું. સોની વેપારીને પેટમાં ગોળી વાગતા તેને ગંભીર ઇજા થઈ છે.
ઘટનાના પગલે ખાડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વેપારીને ૧૦૮માં તાત્કાલિક સારવાર અપાવી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાના પગલે રાયપુર, ખાડિયા અને માણેકચોકના સોની વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે. તેઓનું માનવું છે કે આ રીતે છડેચોક ધોળા દિવસે કોઈ લૂંટી જાય તો પછી કાયદો અને સુરક્ષાની વાત જ ક્યાં રહી.
ખાડિયા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી. શહેરમાં ધોળા દિવસે વેપારી પર આ રીતે હુમલો કરવામાં આવતા પોલીસ ચોંકી ઉઠી છે. પોલીસની પ્રારંભિક અટકળ મુજબ આમા કોઈ જાણભેદુ કે નજીકનો વ્યક્તિ હોઈ શકે છે. વેપારી આ રીતે સોનું લઈ જવાની ખબર નજીકની વ્યક્તિને જ હોઈ શકે છે. તેથી પોલીસે આ દિશામાંતપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ આ માટે વેપારીની પૂછપરછ તો કરી જ રહી છે. આ સિવાય તેના કુટુંબની પણ અને તેના મિત્રવર્તુળો અને ધંધાકીય વર્તુળોની પણ પૂછપરછ આદરી છે. આ ઉપરાંત વેપારીને ત્યાં કામ કરનારા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.