અમદાવાદમાં સતત ૧૨ કલાક સુધી પ્રથમ વખત ન્યૂ યર પાર્ટી ઈવનું આયોજન

અમદાવાદ, થર્ટી ફર્સ્ટને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક એવું આયોજન થવા જઈ રહ્યું છે કે જે પહેલાં ક્યારેય બન્યું ન હોય. શહેરમાં નવરાત્રિની નવ રાત અને પરોઢિયે ગરબા રમી શકે તેવી વ્યવસ્થા યોજવામાં આવી હતી. તેવી જ રીતે સવાર સુધી ન્યૂ યર ડીજે પાર્ટી યોજાશે.

અમદાવાદમાં સતત ૧૨ કલાક સુધી પ્રથમ વખત ન્યૂ યર પાર્ટી ઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે બપોરના ૩ વાગ્યાથી રાતના ૩ વાગ્યા સુધી ડીજે પાર્ટી યોજાશે. તે અંદાજે ૬ વાગે સુધી ચાલશે એટલે કે ૧૨ કલાકથી પણ વધારે સમય સુધી આ પાર્ટી યોજાશે.

અમદાવાદના છેવાડે આવેલા શીલજમાં આવેલાં સ્કાય ફાર્મમાં ૩૧મી ડિસેમ્બરે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સામાન્ય રીતે ડીજે પાર્ટી સાંજે ૮ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી ચાલે છે પરંતુ આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત શીલજ વિસ્તારમાં આવેલાં સ્કાય ફાર્મમાં બપોરે ૩ વાગ્યાથી લઈને રાતે ૩ વાગ્યા સુધી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પ્રકારની પાર્ટી અમદાવાદમાં ક્યારેય યોજાઈ નથી. જે પહેલી વાર યોજાઈ રહી છે.

આ માટે ડીજે પાર્ટીના આયોજક આકાશ પટવાએ વાતચીત કરતા જણાવ્યું હતુ કે,ઈડીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક અને બીડીએમ એટલે બોલિવૂડ ડાન્સ મ્યુઝિક પર પાર્ટી યોજાશે. અમારો અંદાજ છે કે, બપોરે ૩ વાગે પાર્ટી શરુ કરી દઈએ જે રાતે ૩ વાગ્યા સુધી ચાલી શકે. બધું બરાબર રહ્યું તો ૧૨ કલાકથી વધારે કલાક સુધી અમે પાર્ટી ચાલુ રાખીશું. આ પાર્ટી માટે અમે પાસ ઓનલાઈન મૂક્યાં છે. જેની કિંમત ૨૯૯ અને ૪૯૯ રાખી છે. આ પાર્ટીમાં અત્યાર સુધી મેક્સિમમ બુકિંગ આવ્યું છે. લગભગ અમારો અંદાજ ૪ હજારનો છે. બુકિંગ ફૂલ થઈ જશે તો અમે બુકિંગ ક્લોઝડ કરી દઈશું.

આયોજક આકાશ પટવાએ જણાવ્યુ હતુ કે, પહેલી વાર અનસ્ટોપેબલ ૧૨ હવર્સ નામની ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં ૯ ડીજે એક્સાથે એક લોર પર હશે. રોબોટિક અને 31ST થીમનું પર પાર્ટી આયોજન કરવામાં આવ્યું છે. આપણાં ત્યાં ૩થી ૪ કલાક જ પાર્ટી ચાલે છે પરંતુ અમે નવતર પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ. રાતનો સમય હોવાથી મહિલાઓની સુરક્ષા માટે અમે બાઉન્સર અને ડ્રિંક કરીને આવનારી વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

સામાન્ય રીતે નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં રાતે ૧૨ વાગ્યા સુધી ગરબા ચાલે છે, પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં શહેરનું જાહેરનામું લાગુ ન થવાથી ૧૨ વાગ્યા બાદ અને વહેલી સવાર સુધી ગરબા ચાલુ જ હોય છે. એ રીતે અમદાવાદ શહેરના ક્લબ અને ફાર્મમાં રાતના ૧૨ વાગ્યા સુધી ડીજે પાર્ટી ચાલશે પરંતુ અમારું લોકેશન શીલજ અમદાવાદ ગ્રામ્યમાં આવતું હોવાથી રાતે ૧૨ વાગ્યા બાદ પણ વહેલી સવાર સુધી પાર્ટી ચાલશે. નવરાત્રિ જેવો જ પ્રયોગ આ વખતે ૩૧જં ડિસેમ્બરની ઉજવણીની થવા જઈ રહ્યો છે.