અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં અસમાજીક તત્વોનો આતંક, લૂંટ, હત્યા જેવા અનેક બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના માધુપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભારત નગર વિસ્તારમાં બે પરિવારજનો વચ્ચે થયેલ થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
શહેર માધુપુરા વિસ્તારમાં આવેલા ભારત નગરમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. સગાઈની બાબતને લઈને બે પરિવાર સમાધાન માટે એકઠા થયા હતા તે દરમિયાન બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં વિનોદ પરડિયા નામના વ્યક્તિને છરી ના ઘા મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. હાલમાં આ મામલે માધુપુરા પોલીસે રિતેશ બોડાણા, વિજય બોડાણા, અને પીન્ટુ બોડાણા નામના ત્રણ શખ્સો વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, હત્યા પાછળ આ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.