
અમદાવાદઃ સ્ત્રી સુરક્ષાની વાતો વચ્ચે હવે હોસ્પિટલમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી, કારણ કે મણીનગરની lg હોસ્પિટલમાં નર્સ સાથે છેડતીનો બનાવ બન્યો છે. છેડતીના ગુનામાં મણીનગર પોલીસે 51 વર્ષીય આધેડ કે જે હોસ્પિટલનો કર્મચારી છે. તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મણીનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ભરત વાઘેલા છે. જે ભરત વાઘેલા સર્વન્ટ તરીકે એલજી હોસ્પિટલમાં કામ કરે છે. ભરત વાઘેલાની ધરપકડ છેડતીના ગુનામાં મણિનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફરિયાદ પણ અન્ય કોઈએ નહીં હોસ્પિટલની નર્સ દ્વારા જ નોંધાવવામાં આવી હતી. મહત્વનું છે કે આરોપી ભરત વાઘેલા અવારનવાર નર્સનો પીછો કરી શારીરિક અડપલા કરતો હતો. જેથી કંટાળી નર્સે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. મણીનગર પોલીસે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.
હોસ્પિટલની નર્સે ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું કે આ અગાઉ પણ તેણે હોસ્પિટલના સત્તાધીશોને આ અંગે લેખિતમાં જાણ કરી હતી. જોકે કોઈ પગલાં ન લેવાતા આરોપીની હિંમત ખુલી ગઈ હતી અને ગઈકાલે લિફ્ટમાં નર્સની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. સાથે જ આરોપી 35 વર્ષથી હોસ્પિટલમાં કામ કરતો હોવાથી તેને લીફ્ટમાં સીસીટીવી ન હોવાનો પણ ખ્યાલ હતો. જેથી પોતાની વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળે તે વાત જાણી છેડતી કરી હતી. મહત્વનું છે કે આરોપી છેડતી ની આ ફરિયાદને પોતાના પર ઈર્ષા હોવાનું જણાવી ખોટી ફરિયાદ કરી હોવાનું રટણ.કરી રહ્યો છે. જે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નર્સની છેડતીની ફરિયાદને પોલીસે ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપીએ હોસ્પિટલમાં અન્ય કોઈ મહિલા, નર્સ કે યુવતી સાથે આ રીતનું કૃત્ય કર્યું છે, કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. સાથે જ અગાઉ મળેલી ફરિયાદની હોસ્પિટલના સત્તાધીશો એ કેમ ગંભીરતાથી ન લીધી તે અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે.