અમદાવાદમાં રખડતા ઢોરને લઇ મનપાની કાર્યવાહી, ૮ માસમાં ૧૨ હજાર ઢોર પકડયા

અમદાવાદ,અમદાવાદમાં રખડતા ઢોરને લઈને મનપાએ મોટી કાર્યવાહી કરી છે. રખડતા ઢોરથી લોકોને ગંભીર નુક્સાન અને મોત થવા મામલાની ફરિયાદ ઉઠતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું. હાઈકોર્ટની ફટકાર બાદ મનપાએ ઢોર નિયંત્રણ કાર્યવાહી તેજ કરી. કોર્ટની ફટકાર બાદ છસ્ઝ્રએ મોટી કાર્યવાહી કરતા ૮ માસમાં ૧૨ હજાર ઢોર પકડયા અને શહેરની હદ બહાર મૂકયા.

એએમસીએ રખડતા ઢોર મામલે ચાંદખેડા,ઓઢવ અને ગોતામાં કેટલ પોન્ડ બનાવવાની યોજના બનાવી છે. તેમજ રખડતા ઢોરને પકડવાની કામગીરી અવરોધવા બદલ ૨૨૬ પશુપાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ વધતા લોકોમાં અસરકારક કાર્યવાહીને લઈને માંગ ઉઠી હતી. જે સંદર્ભે સરકારે શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસી લાવવા અંગે એએમસીએ વિચારણા હાથ ધરી હતી. વર્ષ ૨૦૨૨માં મહાનગરોમાં રખડતા ઢોર અંગે કાર્યવાહી શરૂ કરતા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં પશુપાલન પર પ્રતિબંધ મૂકાયો.

નોંધનીય છે કે ૨૦૧૮-૧૯થી રખડતા ઢોરનો મુદ્દો ચર્ચામાં છે. રખડતા ઢોરથી નાગરિકોના મોત થયા બાદ આ મામલે કડક કાનૂન લાવવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેના ઢોર નિયંત્રણ પોલીસી લાગુ કરવામાં આવી. ઓગસ્ટ-૨૦૨૩માં રાજ્ય સરકારે રખડતા ઢોર મામલે નવી ગાઈડ લાઈન જાહેર કરી હતી. જેમાં પશુપાલકોએ ઢોરનું નગરપાલિકામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવા જેવી બાબતોને સામેલ કરાઈ હતી. આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ તેમજ પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદ્યો હતો. રખડતા ઢોર મામલે ગાઈડલાઈન અને પોલીસી લાવવા જેવી બાબતો માટે ૧૦ સભ્યોની કમિટિ બનાવવામાં આવી હતી. રખડતા ઢોર મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ મનપાએ કડક કાર્યવાહી કરતા ૮ મહિનાની અંદર ૧૨ હજાર ઢોર પકડીને શહેર બહાર મૂકયા અને સંબંધિત પશુપાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. સંભવત મનપાની આ કામગીરીથી નાગરિકોને પણ રાહત થઈ હશે.