અમદાવાદમાં પ્રોફેસર પુત્રે માતાની હત્યા કરી જાતે આપઘાત કરી લીધો

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રોફેસરે માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માતા અને પુત્ર ઘરમાં એકલા રહેતા હતા અને અચાનક રાત્રીના સમયે પ્રોફેસર પુત્રએ માતાની હત્યા નિપજાવી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. જોકે પાડોશીઓને ખ્યાલ આવત્તા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પ્રોફેસર યુવક દ્વારા માતાની હત્યા અને પોતે આપઘાત કરી લેવાની આ ઘટનાને લઈ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. આ માટે આડોશ પાડોશ અને તેમના પરિચિતો પાસેથી માનસિક સ્થિતિ પણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટ ખાતે રહેતા પ્રોફેસર પુત્રએ રાત્રીના સમયે માતાની હત્યા નિપજાવી પોતે પણ ઘરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ૪૨ વર્ષીય મૈત્રેય ભગતે તેના ૭૫ વર્ષીય માતા દતા ભગતની હત્યા કરી છે. ગત મોડી રાત્રે સૂઈ રહેલી માતાની છરીથી હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર મૈત્રેય ભગત જીએલએસ કૉલેજમાં ઇકોનોમિક્સનાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.

મહાલક્ષ્મી ફ્લેટમાં માતા અને પુત્ર એકલા રહેતા હતા. બહેન લગ્ન કરી સુરતમાં પતિ સાથે સાસરિયામાં રહે છે અને પિતા દિલીપ ભગત જે ડોકટર હતા જેમનું છ વર્ષ પહેલાં મૃત્યુ નિપજ્યું હતું. પિતાના મૃત્યુ બાદ માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે તેમના ફ્લેટ બહાર દૂધ અને છાપું પડ્યા હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. પાડોશીઓએ ઘરમાં દરવાજો ખોલી જોતા યુવક ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો. અંદરના રૂમમાં માતા મૃત હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરાઇ. મૃતક માતા પાસે છરી પણ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ પહોંચી તપાસ હાથ ધરી હતી. કેસમાં એફએસએલ ની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે પાડોશીઓના મત મુજબ પુત્ર મૈત્રેય થોડા સમયથી ડિપ્રેશનમાં હોય તેવું લાગી રહ્યું હતું. જોકે પુત્રના વર્તનમાં કોઈ ફેરફાર જણાતો પણ નહીં હોવાનું પાડોશીઓએ વર્ણવ્યું હતું.

રાત્રે મૈત્રીય દ્વારા તેના મામા સાથે ફોન પર વાતચીત થઈ હતી. પડોશીઓના મત મુજબ તેમજ પોલીસ અનુમાન મુજબ મૈત્રયનાં લગ્ન થયા નથી તેમજ શારીરિક તકલીફ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલતો પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.