અમદાવાદમાં મહિનામાં ૨૬ બિનવારસી મૃતદેહો મળી આવતાં ખળભળાટ

અમદાવાદ, અમદાવાદમાંથી ગત એક મહિનામાં ૨૬ બિનવારસી મૃતદેહ મળી આવ્યા છે. એટલે કે દર ૨૮ કલાકે શહેરના રસ્તા, ફૂટપાથ કે સૂમસામ જગ્યાએથી એક વ્યક્તિનું શબ તેના પરિવાર પહેલાં પોલીસને હાથ આવે છે. આ પોલીસ ચોપડે નોંધાયેલો આંકડો છે. મોટેભાગે મૃતદેહના પરિવાર સાથે સંપર્ક થઈ જાય છે. પણ કેટલાક એવા કિસ્સા બને છે જ્યાં પોલીસ મૃતકના પરિવાર સુધી પહોંચી શક્તી નથી.

અમદાવાદ શહેરમાંથી ગત ૧થી ૩૦ એપ્રિલ સુધી ૧૧ વિસ્તારમાંથી ૨૬ બિનવારસી મૃતદેહ પોલીસને મળી આવ્યા હતા. તે પૈકી ૨૦ પુરૂષ તેમજ ૬ મહિલાઓના શબ હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગે આત્મહત્યા, અકસ્માત અને ટ્રેન સાથે અથડામણ થતાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહ બિનવારસી હાલતમાં મળે છે.

ખાસ કરીને ભિક્ષાવૃત્તિ કરતા, ફૂટપાથ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના શબ વાલીવારસ વગરના હોય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે પરિવાર દ્વારા તેમની સામાજિક રીત રીવાજ મુજબ અંતિમવિધિ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના મૃતદેહ મળ્યા બાદ પ્રથમ તેનું પોસ્ટમોર્ટમ કરી તેને સરકારી દવાખાનાના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે. બાદમાં પ્રાપ્ત વિગતો સરકારી વેબસાઈટ પર પ્રકાશિત કરી તેમજ આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા લોકોની વિગતો એધારે મૃતકના પરિવારનો સંપર્ક કરવામાં આવે છે. તેમ છતાં જ્યારે એક અઠવાડિયા સુધી મૃતકની ઓળખ ન થાય ત્યારે સેવાભાવી સંસ્થા દ્વારા કાયદાકીય રીતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

મોટે ભાગે મૃતદેહ જ્યાંથી મળી આવ્યો હોય ત્યાંના સ્થાનિકો દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવે છે. જેથી મૃતદેહ મળ્યા પછી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પોલીસ મૃતક અને તેના પરિવારની ઓળખ કરવામાં લાગી જાય છે. ખાસ કરીને હાલના સમયમાં આવેલી આધુનિક ટેકનોલોજી તેમજ મેડિકલની સુવિધાના કારણે મૃતકની ઓળખ કરવી સહેલી બની હોવાનું એસીપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.