અમદાવાદ: શહેરની મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આરતીબેને એસઆરપી ક્વાટર્સમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. તેમણે પારિવારિક ઝધડામાં આપઘાત કર્યો હોવાનો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મહિલાના આપઘાત કેસની પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં જીવન ટૂંકાવી દેવોનું સામે આવ્યુ છે. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા પહેલા કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. હજી સુધી આ મામલે કોઇ અંતિમ ચિઠ્ઠી સામે આવી નથી.
થોડા સમય પહેલા પણ શહેરના એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની ક્રૃષ્ણનગર સોસાયટીમાં ગત તા. 9.10.2023ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા કોન્સ્ટેબલ હિતેષ આલે આપઘાત કર્યો હતો.
મૃતક હિતેષભાઇ આલને એસજી-2 ટ્રાફિક પો. સ્ટેશનમાં ફરજ બજાવતી રીંકલ અમરતભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણેક વર્ષમાં રીંકલે પ્રેમ સંબંધ કેળવી અન્ય લોકો સાથે સંબંધો બાંધ્યા હોવાથી હિતેષભાઇએ તેની સાથે સંબંધો પૂરા કરી નાખ્યા હતા.
રીંકલે હિતેષભાઇ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી કેસ કરવાની ધમકીઓ આપી હિતેષભાઇની પત્નીને ફોન કરીને ઝઘડો કર્યો હતો. આ બાબતોથી કંટાળીને હિતેષભાઇએ આપઘાત કર્યો હોવાથી રીંકલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.