અમદાવાદમાં જ્યારે વૃદ્ધાની હત્યા કરી ત્યારે આરોપી ૨૬ વર્ષનો હતો, ૭૬ વર્ષનો થયો ત્યારે ઝડપાયો

  • સરદારનગરમાં વાસણો ચોરીને વૃદ્ધાની હત્યા કરીને ભાગ્યો હતો.

અમદાવાદ,

ગુનેગાર ગમે એટલો શાતીર કેમ ન હોય, પણ કાયદાથી બચી શક્તો નથી. પોલીસ પાતાળમાંથી પણ શોધી કાઢે છે. આ વાતને પોલીસે સાચી સાબિત કરી છે અને ૪૯ વર્ષે હત્યાના આરોપીને પકડી પાડ્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ૪૯ વર્ષ પહેલાં ૨૬ વર્ષના યુવાને એક સિનિયર સિટિઝન એવા વૃદ્ધાની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના ઘરમાંથી વાસણો ચોરીને ભાગી ગયો હતો. એ પછી તેણે ઘણી નાની-મોટી ચોરી કરી, પણ પોલીસના હાથે ના ચડ્યો, પરંતુ આ વખતે વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી વખતે ૪૯ વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે. ૨૬ વર્ષે હત્યા કરનાર આરોપી અત્યારે ૭૬ વર્ષનો થઈ ગયો છે. આ સમગ્ર મામલે હાલ તો પોલીસે આરોપી પાસે ૪૯ વર્ષના હિસાબક્તિાબ શોધવાનો શરૂઆત કરી છે.

કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપી સીતારામની ધરપકડ કરી છે. આરોપી વોન્ટેડ હતો, જેને શોધવા માટે અમદાવાદ પોલીસ મહારાષ્ટ્ર ગઈ હતી. આરોપી એકાદ વર્ષ નહીં, પણ ૪૯ વર્ષથી વોન્ટેડ હતો અને અત્યારસુધી આરોપી ન પકડાઈ શકવા પાછળ પણ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, પરંતુ હાલ આરોપી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને કારણે ઝડપાયો છે એવું કહીએ તો નવાઈ નહીં, કારણ કે આ વખતે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ કડક સૂચના આપી હતી કે કોઈપણ વોન્ટેડ આરોપી ગમે તેટલો જૂનો હોય, તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.

અમદાવાદના ઝોન-૪ ડીસીપી કાનન દેસાઈની મહેનતને કારણે ૪૯ વર્ષ જૂના સિનિયર સિટિઝન મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ સમગ્ર મામલે એક પછી એક જે વાતો સામે આવી એ જાણીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ, કારણ કે જે વખતે હત્યા થઈ ત્યારે આરોપી ૨૬ વર્ષનો હતો અને હાલ આરોપી ૭૩ વર્ષનો છે. આટલાં વર્ષ સુધી આરોપી કેમ ન પકડાયો એ પણ ખૂબ મોટો પ્રશ્ર્ન હતો.

૧૯૭૩ના સપ્ટેમ્બરમાં ૪૯ વર્ષ પહેલાં અમદાવાદની પણ શિકલ કંઈક અલગ હતી. અમદાવાદના સેજપુર વિસ્તારમાં આવેલા ફદેલી પાસે ૭૦ વર્ષનાં મણિબેન શુક્લા રહેતાં હતાં. જેમના ઉપરના માળે તેમણે ત્રણ યુવકને મકાન ભાડે આપ્યું હતું. આ યુવકોમાં મહાદેવ, નારાયણ અને સીતારામ તાતિયા બધાનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવકો નાનું-મોટું કામ કરીને જીવન જીવતા હતા. એમાં સીતારામ ચોરી કરવાની આદતવાળો હતો.

૧૪ સપ્ટેમ્બર ૧૯૭૩ના દિવસે સીતારામ અન્ય દિવસોની જેમ કામકાજ કરવાનો પ્રયાસ કરતો હતો, પણ કોઈ કામ ન મળતાં હવે તેને ચોરી કરવાનું નક્કી કર્યું, એ દિવસે તે બપોરના પોણાત્રણ વાગ્યે મણિબેનના ઘરમાં ઘૂસ્યો અને ઘરમાંથી વાસણો અને કપડાં ચોરવાનો પ્રયાસ કરતો હતો. મણિબેન જાગી ગયાં એટલે સીતારામે તેમના પર હુમલો કર્યો અને એ સમયે તેઓ બેભાન થઈ ગયાં હતાં અને નીચે પડી ગયાં હતાં, એટલે સીતારામ ઘરમાંથી વસ્તુઓ ચોરીને ભાગી ગયો હતો. બીજા દિવસથી આ ઘરમાં કોઈ હલચલ દેખાતી ન હતી. બે દિવસ બાદ આસપાસના લોકોએ ઘરમાંથી દુર્ગંધ મારતી હોવાની કમ્પ્લેન કરતાં સ્થાનિક પોલીસ મણિબેનના ઘરમાં પહોંચી હતી. ઘરમાંથી મણિબેન મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. ત્યાર બાદ ઉપરના માળે રહેતા ત્રણેય લોકો મળ્યા નહિ. એમાં છેલ્લે સીતારામ ઘરમાંથી બહાર નીકળ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. એ સંદર્ભે પોલીસે એ સમયે ચોરી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ ફરિયાદ નોંધાયાને આજે ૪૯ વર્ષ પૂરા થયાં છે.

પોલીસને મહારાષ્ટ્રમાંથી જાણવા મળ્યું કે સીતારામ ગામમાં એક વિધવા મહિલા પર દુષ્કર્મ કર્યું હતું, પણ તેણે પોતાની આબરૂ બચાવવા આ અંગે ફરિયાદ કરી ન હતી એટલે સીતારામ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ તે તેના કાકાના બે વર્ષના દીકરાને રમાડવા લઈ ગયો હતો અને ખેતરમાં તેના કાનની બુટ્ટીઓ કાઢીને ચોરી કરી ભાગી ગયો હતો. આ બધાની સાથે તેણે બીજી જગ્યાએ નાનીમોટી વાસણ અને અલગ અલગ જોડીઓ કરીને અત્યારસુધી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સીતારામ હત્યા કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો, પણ પહેલા તેને ખબર ન હતી કે મણિબેન મૃત્યુ પામ્યાં છે. બાદમાં તે અલગ અલગ જગ્યાએ નાનીમોટી ચોરી કરતો કરતો અને સંતાતો ગયો, પરંતુ ૪૯ વર્ષ બાદ અમદાવાદ પોલીસે સીતારામને પકડીને લઈ આવી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તે હવે આવું નહીં કરે તેવી આજીજી કરી રહ્યો છે. ૭૩ વર્ષના દાદા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પણ હત્યા અને ચોરીના કુખ્યાત આરોપી છે.