
અમદાવાદ, અમદાવાદમાં રોગચાળો વકર્યો. ઉનાળાની સિઝન શરૂ થતા જ એપ્રિલ મહિનામાં સિઝનલ ફ્લૂના ૪૯ અને કોલેરાના કુલ ૬ કેસ નોંધાયા. ગરમીની સિઝનની હજુ માંડ શરૂઆત થઈ છે ત્યારે લોકો બીમાર પડવા લાગ્યા છે. શહેરમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવા પાછળ પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું અનુમાન છે. હોસ્પિટલોમાં ઝાડા-ઉલટી, કમળા અને ટાઈફોઈડની સાથે સિઝનલ ફ્લૂના
૪૯ કેસ નોંધાયા છે. ખાસ કરીને શહેરમાં પૂર્વ વિસ્તાર એવા અમરાઈવાડી, વટવા અને દાણી લીમડા સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલટીના વધુ કેસ નોંધાયા છે.
શહેરમાં સરકારી હોય કે ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધ્યા છે. દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધતા એએમસીએ આઈસ ગોલા, શરબતની લારીઓ, પાણીપુરીની લારીઓ અને રોડ પર ઉભા રહેતા વેન્ડરોના ખાદ્ય નમૂનાઓ લીધા છે. આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. માર્ચ મહિનામાં સ્વાઈન ફ્લૂના ૨૩૨ કેસ નોંધાયા હતા અને એપ્રિલ મહિના વધુ ૪૯ કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિનાથી લઈને એપ્રિલ સુધીમાં સિઝનલ ફ્લૂના કુલ ૪૩૦ કેસ નોંધાયા છે.
એપ્રિલ મહિનામાં ૬ દિવસમાં ૪૯ કેસો નોંધાયા. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૧૭ કેસો નોંધાયા. જ્યારે મધ્ય ઝોનમાં ૬, પૂર્વ ઝોનમાં ૪, ઉત્તરઝોનમાં ૧૧, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક કેસ નોંધાયા. શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરના તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઈને ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. એપ્રિલ મહિનામાં ૧૪૭૩ પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા તેમાંથી ૩૮ જેટલા સેમ્પલ અનફીટ આવ્યા છે. પ્રદૂષિત પાણીની સમસ્યા હોય તેવા સ્થાનો પર વિભાગને જાણ કરી લાઈનો બદલવાની સૂચના અપાઈ છે. આ સાથે આરોગ્ય વિભાગે લોકોને પણ સ્વચ્છ પાણી પીવા અપીલ કરી છે.