અમદાવાદમાં ઘરઘાટી ઘરમાંથી આખેઆખું લોકર ઉઠાવી ગયો

અમદાવાદ: શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકના ઘરેથી ઘરઘાટીએ 30 લાખની ચોરી કરી છે. આ વેપારીએ ઘરઘાટીના જરૂરી દસ્તાવેજ સહિતની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમ છતાં ઘરઘાટી ઘરમાંથી લાખોની ચોરીને કરીને રફૂચક્કર થઇ ગયો છે. આ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, નહેરુનગરમાં આવેલી સુમધુર સોસાયટીમાં રોહન અગ્રવાલ રહે છે. જેમની વટવા જીઆઇડીસીમાં કેમિકલની ફેક્ટરી છે. તેમના ઘરે પશ્ચિમ બંગાળનો રમેશ ચક્રબોર્તી બે મહિનાથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. આ સિવાય તેમના ઘરમાં બેબી કેરટેકર રીટા રાય, ડ્રાઇવર તરીકે ડુંગરપુરનો રહેવાસી ભીમજી પ્રજાપતિ પણ કામ કરે છે.

ગત 20 જાન્યુઆરી, શનિવારે તેમના ઘરે રોહનભાઇની માતા અને ત્રણ નોકર હાજર હતા. તેમના પત્ની સામાજિક કામે મુંબઇ ગયા હતા. બીજા દિવસે રોહનભાઇના પત્ની મુંબઇથી પાછા આવ્યા ત્યારે બેડરૂમમાં જઇને જોયુ તો કબાટમાંથી લોકર ગુમ હતું. જેથી તેમણે પતિ રોહનભાઇને જાણ કરી હતી.

રૂમમાં રાખેલા લોકરમાં રૂ. 1.85 લાખ રોકડા, સોના-ચાંદીના અને ડાયમંડના દાગીના મળી કુલ રૂ. 30.30 લાખની મત્તા લોકરમાં મૂકેલા હતા. જેથી રોહનભાઇએ નોકરને બોલાવ્યા હતા પણ રમેશ ચક્રબોર્તી આવ્યો ન હતો. અને તેનો ફેન બંધ આવતો હતો. જેથી શંકાને આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા રમેશ મોટા થેલો લઇને જઇ રહ્યો દેખાયો હતો. જેથી રમેશે ચોરી કર્યાની જાણ થઇ હતી.