અમદાવાદ,અમદાવાદમાં વાહન ચોરીના ગુનાઓ વધી રહ્યાં છે. રાજ્ય બહારની ગેંગો વાહન ચોરીના ગુનાઓ આચરી રહી છે. ત્યારે શહેરમાં પોલીસે વાહન ચોરી કરતી લરાઠી રાઈડર ગેંગના બે સભ્યોને પકડીને ૧૩ વાહનો કબજે કર્યાં છે અને ૨૧થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ ગેંગ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં વાહન ચોરીના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. તેમાં ખાસ કરીને મોંઘી દાટ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી ગેંગ સકય થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે આવી ગેંગ સામે એક્શન લેવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતાં બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતાં. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આરોપીઓને મેમનગર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસેથી પકડી પાડ્યા હતાં.
આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ સવારે કડિયાકામ તથા સેન્ટિંગની સાઈટો પર કામ કરતા હતાં અને રાત્રે નક્કી કરેલી જગ્યાએ ભેગા થઈને માણસોની અવર જવર ના હોય તેવી જગ્યાએ ટાર્ગેટ કરીને સ્પોર્ટસ બાઈકના લોક તોડીને ચોરી કરતાં હતાં. પોલીસે પકડેલા આરોપીઓમાં આશિષ મીણા, અંક્તિ અહારીની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓ તેમના મિત્રો તથા સંબંધીઓ અવિનાશ શંકર અહારે, સુધિર નનોમા, રાહુલ ડામોર, પ્રકાશ અમરા, લલિત રોત તથા રાજકુમાર ખોખરિયા, રાહુલ ખરાડી, પ્રકાશ બોડાત, રાહુલ મીણા તથા મનિષ મીણા સાથે મળીને ગુનાને અંજામ આપતાં હતાં.
પોલીસે યામાહા, પલ્સર, યામાહા એફ ઝેડ,ટીવીએસ અપાચી, ડિલક્ષ મોટરસાયકલ સહિતના ૧૩ વાહનો કબજે લઈ કુલ ૮.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે ઉપરાંત આરોપીઓની પુછપરછમાં ગાંધીનગર, અમદાવાદ, નાના ચિલોડા, હિંમતનગર, સરદારનગર, નરોડા,રાણીપ, ચાંદખેડા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ચોરી કરેલ ૨૧ ગુનાઓ ઉકેલાયા છે.