અમદાવાદ, સ્માર્ટ સિટીની ગણતરીમાં આવતું અમદાવાદ શહેર હવે સેફ નથી રહ્યું છે. હજી એક દિવસ પહેલા જ અમદાવાદમાં સનસનીખેજ લૂંટ વિથ ગેંગરેપનો કિસ્સો બન્યો હતો. ત્યારે તેના ગણતરીના કલાકો બાદ અમદાવાદમાં લૂંટનો બનાવ બન્યો છે, એ પણ પોશ વિસ્તારમાં. વાહનોની અવરજવર ધરાવતા અમદાવાદના પોશ વિસ્તાર આનંદ નગરના પેટ્રોલ પંપ પર મોડી રાતે લૂંટારુઓ ત્રાટક્યા હતા, જોકે, અમદાવાદ પોલીસે ગણતરીની કલાકમાં જ એક પિસ્ટલ સાથે ચારેય લૂંટારાને પકડી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં લુંટનો સનસનીખેજ બનાવ બન્યો છે. અમદાવાદના પશ્ચિમમાં આવેલ આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપમાં લૂંટનો બનાવ બન્યો છે. મોડી રાતે હથિયાર સાથે ૪ લૂંટારુઓ પેટ્રોલ પંપ પર ત્રાટક્યા હતા અને લુંટ મચાવી હતી.
ગત મોડી રાત્રે લૂંટારુઓએ લૂંટ કરી હતી. લૂંટારુંઓએ હથિયાર બતાવી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જોકે, આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. આનંદનગરના બે પોલીસ કર્મચારીઓને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેના બાદ ૪ લુટારુંઓને એક પીસ્ટલ સાથે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ ક્રાઈમ મામલે દિન પ્રતિદિન બદતર થઈ રહ્યું છે. હજી એક દિવસ પહેલા જ અમદાવાદના શીલજના એક ફ્લેટમાં રહેતી મહિલાના ઘરે પાંચ સિક્યુરિટી ગાર્ડ આવીને હથિયાર બતાવીને લૂંટ ચલાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાના ઘરમાં રહેતી ૧૯ વર્ષીય ઘરઘાટી યુવતી પર પાંચેય ગાર્ડે સામૂહિક દુષ્કર્મ ગુજારીને લૂંટ ચલાવીને કાર લઈને ફરાર થઈ ગયા હતા. મકાનની માલિક મહિલાએ કેન્સર હોવાનું કહેતાં તેને અર્ધબેભાન હાલતમાં છોડી તમામ ચોર પલાયન થઈ ગયા હતા. પરંતું આ વાતની જાણ થતા જ ગુજરાત પોલીસ સતર્ક થઈ હતી. પાંચેય લૂંટારુઓ પંજાબ ભાગીને જાય તે પહેલાં તેમને ઝડપી પાડ્યા હતા.