અમદાવાદ, અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય મહિલાએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાને લઈને ફરિયાદ નોંધાવી. પતિના અત્યાચારનો સામનો કરી રહેલ મહિલાએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને જાણ કરી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ એક સ્ટોક બ્રોકર છે અને બે સોદામાં પૈસા ગુમાવતા પરિવાર નાણાંકીય તંગીનો સામનો કરી રહ્યું છે. આર્થિક રીતે નુક્સાન થતા પતિ દ્વારા તેમના પર ત્રાસ આપવાની શરૂઆત થઈ.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે પતિને નાણાંકીય નુક્સાન થતા તે તેમને સહયોગ આપી રહી હતી. છતાં પતિ દ્વારા વારંવાર માર મારવામાં આવતો. પરિવારની પ્રતિષ્ઠાના ડરથી મહિલાએ મૌન રાખી પતિનો અત્યાચાર સહન કર્યો. પરંતુ પતિ દ્વારા ખોરાકથી લઈને તમામ બાબતોમાં વધુ પડતી દખલગીરી થવા લાગી અને અત્યાચાર વધવા લાગતા અંતિ મહિલાએ મદદ માટે અભયમ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી. આ એકમાત્ર કેસ નથી જેમાં સભ્ય લાગતા પરિવારો પર મહિલા પર અત્યાચાર કરવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ છે જ્યાં પુરુષની નિષ્ફળતા અથવા પુત્રને જન્મ ના આપવા જેવી બાબતો પર આજે પણ મહિલાઓ પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવે છે.
અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ઘરેલુ હિંસા સંબંધિત સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ૭૪,૯૪૯ કોલ્સ પ્રાપ્ત થયા હતા. જે મુજબ અભયમ હેલ્પલાઈનને અંદાજે દરરોજ સરેરાશ ૨૭૬ કોલ આવતા હોય છે. મહત્વની વાત એ સામે આવી છે કે કોરોના સમયગાળા બાદ આ કોલ્સમાં અંદાજે ૪૦ ટકા વધારો થયો છે. એમ કહી શકાય કે દર પાંચ મિનિટે કોઈ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે.
આ મામલે અભયમ હેલ્પલાઈનના સંયોજક ફાલ્ગુની પટેલ જણાવે છે કે લોકડાઉન સમયગાળો અને તેના બાદ ઘરેલ હિંસાના કેસમાં તીવ્ર વધારો નોંધાયો હતો. કેમકે કોરોના સમય દરમ્યાન લોકો ઘરે રહેતા હતા. જેના કારણે વધુ નિકટ રહેતા અને કેટલાક કિસ્સામાં વધુ નિકટતા ઝગડાનું કારણ બનતી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેઓ કહે છે કે આશ્ચર્ય ની વાત એ છે કે ઘરેલુ હિંસા મામલે ઉંમર, લગ્નનો સમયગાળો અથવા સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ જેવી બાબતોથી કોઈ ફરક પડતો નથી. અમને તમામ સ્તરોમાંથી કેસ મળી રહ્યા છે.
અમદાવાદ શહેર માટે, ૨૦૨૧ અને ૨૦૨૩ ની વચ્ચે સરેરાશ દૈનિક કોલ વોલ્યુમમાં ૪૪% જેટલો વધારો થયો છે. જેમાં સામે આવેલ ડેટા મુજબ ૨૦૨૦ થી ૨૦૨૧ સુધી, વર્ષ-દર-વર્ષનો વધારો ૨૦% હતો, જે ૨૦૨૨ માટે ૧૦% પર થોડો ઘટાડો થયો હતો અને પછી ૨૦૨૩ માટે અત્યાર સુધીમાં ૧૭% વધ્યો હતો. એકંદરે, ૨૦૨૧ ની તુલનામાં, રાજ્યમાં ૨૦૨૩ માં સપ્ટેમ્બર સુધી ૨૭% નો વધારો નોંધાયો છે.
અમદાવાદ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ પછી ઘરેલુ હિંસાની ફરિયાદો વધી છે. જેમાં ઘરેલું હિંસા માટે નાણાકીય તકલીફ હંમેશા મુખ્ય કારણ છે, પરંતુ લગ્નેતર સંબંધો, તણાવ અને ઘરેલું ઝઘડા જેવા અન્ય પરિબળો પણ ઝઘડાના મહત્વના કારણોમાંના એક હોવાનું માનવામાં આવે છે. પોલીસ કહે છે કે નોંધાયેલા એક કેસની સામે, ઘણા એવા કેસ હશે જેની જાણ ન થઈ હોય. આ મામલે મહિલાઓને જાગૃત બની ફરિયાદ કરવા તેમજ કાનૂની ઉપાયોની મદદ લેવા સલાહ આપવામાં આવે છે.