અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ૬ મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર ૧૦ લાખને પાર થઇ ગઇ છે. વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ગત વર્ષ કરતાં ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. અલબત્ત, ગત વર્ષની સરખામણીએ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં સાધારણ જ વધારો થયો છે.
અમદાવાદ એરપોર્ટમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ દરમિયાન ૮,૭૧,૭૧૬ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ ૬ માસમાં વિદેશના મુસાફરોની અવર-જવર ૨૦ ટકા જેટલી વધી ગઈ છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિવસે વિદેશના ૬ હજારથી વધુ મુસાફરોની અવર-જવર કરે છે. વર્ષ ૨૦૨૩માં પ્રતિ દિવસે ૪૮૦૦ જેટલા વિદેશના મુસાફરો અવર-જવર કરતા હતા. જાન્યુઆરી ૨૦૨૪માં સૌથી વધુ ૨ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ છે. આ સ્થિતિ જોતાં અમદાવાદ એરપોર્ટમાં વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં વિદેશના મુસાફરોની અવર-જવર ૨૦ લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે.
અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિવસે વિદેશની સરેરાશ ૪૦ ફ્લાઈટ્સની અવર-જવર કરે છે. જૂન મહિનાની જ વાત કરવામાં આવે તો વિદેશની કુલ ૧૧૭૬ ફ્લાઈટના ૧.૮૧ લાખ મુસાફરો નોંધાયા હતા. અમદાવાદ અવર-જવર કરતી વિદેશની પ્રત્યેક ફ્લાઈટના સરેરાશ ૧૫૪ મુસાફરો હોય છે. અમદાવાદ એરપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઈટના ૬૨.૧૧ લાખ મુસાફરોએ અવર-જવર કરી છે. જેની સરખામણીએ જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ સુધી કુલ ૫૯.૭૧ લાખ મુસાફરો હતા. વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ડોમેસ્ટિ ફ્લાઈટના મુસાફરોની અવર-જવરમાં સાધારણ વધારો થયો છે.વર્ષે ૨૦૨૪માં ૬ મહિતાનમાં કુલ ૫૧.૩૪ લાખ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા છે. વિદેશની પ્રત્યેક ફ્લાઈટમાં ૧૫૪, જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટમાં ૧૨૬ જેટલા મુસાફરો હોય છે.
અમદાવાદ એરપોર્ટમાં સપ્ટેમ્બર ૨૦૨૩થી ઑગસ્ટ ૨૦૨૪માં અત્યારસુધીમાં ૪૬ લાખથી વધુ બેગેનું સ્ક્રીનિંગ કરાયું છે. આ પૈકી ૮૦ હજારથી વધુની બેગમાંથી પાવર બેંક, લાઇટર, સૂકું નાળિયેર જેવી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવી છે. જેમાં પાવરબેંક સૌથી વઘુ ૧૮,૨૪૬ની બેગમાંથી મળી આવી હતી. ફ્લાઈટમાં મુસાફરી કોઇપણ મુસાફર ચેક-ઈન લગેજમાં પાવર બેંક, લાઇટર, સૂકું નારિયેળ, વધારાની બેટરી, ઈ-સિગારેટ જેવી પ્રતિબંધિત ચીજ-વસ્તુ રાખી શકે નહીં. વિશેષ કરીને નિયમિત મુસાફરી કરતા ન હોય તેવા મુસાફરોને ચેક ઈન લગેજમાં પ્રતિબંધિત વસ્તુને લીધે મુશ્કેલી નડે છે. મુસાફરના ચેક ઈન લગેજમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવતાં ઘણાં કિસ્સામાં તેને બોર્ડિંગ ગેટથી પાછો બોલાવવો પડે છે.