અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં બોથર્ડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને અજાણ્યા શખ્સે એક આધેડનું ઢીમ ઢાળી દીધું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે શંકાસ્પદ આરોપીની પુછપરછ શરૂ કરી છે.
આ કેસની વિગત એવી છે કે, કૃષ્ણનગરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા અને નરોડાની રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા ૫૫ વર્ષના આધેડની અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને આધેડનું ઢીમ ઢાળી દીધું હતું. મૃતક મહેશભાઈની બેને ફોન લગાવ્યો હતો પરંતુ ફોન રિસીવ ન કરતા બેન અને બનેવી ચેક કરવા માટે ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરમાં તાળું લાગેલું હતું. મહેશભાઈ પોતાના ઘરની ચાવી પાડોશીઓને આપીને જતા હોય છે. જેથી તેમને પાડોશી પાસે તાળાની ચાવી માંગી હતી. પરંતુ પાડોશીએ ઘરમાં લગાવેલું તાળું જોયું તો જાળીએ નવું તાળું લગાવેલું હતું. જેના પગલે બનેવીએ જાળીના અંદરના દરવાજાને ધક્કો મારીને જોયું તો મહેશભાઈ મૃત હાલતમાં લોહીથી લથપથ પડ્યા હતા. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
મૃતકના આંધ્રપ્રદેશમાં લગ્ન થયા હતા. પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી તેમના પત્ની તેમની સાથે રહેતા નહોતા. માતા-પિતા કોરોનામાં મૃત્યુ પામેલ છે. જેથી તેઓ એકલવાયું જીવન જીવતા હતાં. પાડોશીઓની પૂછપરછમા સામે આવ્યું કે, મહેશભાઈ ઘરે હતાં ત્યારે કોઈક સાથે વાતો કરતા હતા. જોકે, બાદમાં તેમનો અવાજ સાંભળવા મળ્યો નહતો. હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ આરોપીની પુછપરછ શરૂ કરી છે.