અમદાવાદ ખાતે યોજાયેલ સર્જનાત્મક અભિવ્યક્તિ અંગેની કાર્યશાળામાં જોડાયા સરકારી કોલેજ કઠલાલના વિદ્યાર્થીઓ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સ્વયં સેવકો અમદાવાદ ખાતે આવેલ યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા યુવાન, નેતૃત્વ, સર્જનાત્મકતા અને સમાજ ઘડતર વિષય પર યોજાયેલ ચાર દિવસીય પૂર્ણ નિવાસી કાર્યશાળામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓની આજના નૂતન સામાજીક પરિવેશમાં ટેકનોલોજીના માધ્યમ થકી સમાજને જોવા, જાણવા અને સમજવાની સ્કીલ વિકસે તેમજ મોબાઈલ દ્વારા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે અને સકારાત્મક સર્જન તરફ તેઓ સક્રિય થાય તેવા યશસ્વી અને ઉમદા હેતુથી પ્રસ્તુત કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.

પ્રસ્તુત કાર્યશાળા અંતર્ગત સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલના સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપક અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિરજ ઝાલા, નિરજ ડાભી, જયરાજ ડાભી, રાજન ડાભી, કૌશિક ડાભી, અજય પરમાર એમ કુલ 06 વિદ્યાર્થીઓએ સામાજીક વિષય પર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરેલ. જેમાં સામાજીક વજૂદ ધરાવતા ફોટોગ્રાફ કે વિડિયો લેવામાં આવેલ. વિદ્યાર્થીઓમાં તેમજ ખાસ કરીને આજના યુવાનોમાં સમાજને, સમાજના પ્રશ્ર્નોને એક નૂતન દૃષ્ટિકોણથી સમજવાની દૃષ્ટિ કેળવાય તે માટે પ્રસ્તુત સમગ્ર કવાયતની વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન આપવામાં આવેલ.

આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી અંગેની માહિતી સમીરભાઈ પાઠક દ્વારા આપવામાં આવેલ. સમગ્ર કાર્યશાળાનુ સુચારૂ આયોજન અને સંચાલન મદદનીશ વરિષ્ઠ કાર્યક્રમ અધિકારી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ.