અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

અમદાવાદ,ગુજરાત એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ગુજરાત એટીએસ એ ઝડપી લીધુ છે. નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા ૫૦૦ના દરની કુલ ૪૮ હજાર નકલી નોટો મળી આવી છે.

ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી કે અમદાવાદના જુહાપુરામાં ઘણા લોકો નકલી નોટો બનાવી રહ્યા છે. નકલી નોટો બનાવવા માટે પ્રિન્ટિંગ મશીન અને કલર સહિતનો ઉપયોગ અહીં કરતા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ગુજરાત એટીએસએ જુહાપુરામાં રેડ પાડી હતી. જુહાપુરાના એક મકાનમાંથી ચાર આરોપીઓને એટીએસએ ઝડપી લીધા છે. રેડ દરમિયાન ગુજરાત એટીએસને ૫૦૦ના દરની કુલ ૪૮ હજાર જેટલી નોટ મળી આવી હતી. આરોપીઓએ નકલી નોટો બનાવવા માટે જે અલગ અલગ સાધન વસાવ્યા હતા તે પણ કબ્જે કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નકલી નોટ બનાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જો કે અત્યાર સુધીમાં આ આરોપીઓએ નકલી નોટો બજારમાં કોઇ જગ્યાએ વેચી છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ બાદ આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ નકલી નોટ બનાવવાની સામે આ આરોપીઓ ૬૦ ટકા જેટલુ પેમેન્ટ મેળવતા હતા. હાલ તો આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલુ છે અને આ નેટવર્ક અન્ય કેટલા સ્થળે ફેલાયેલુ છે. અન્ય આરોપીઓ ક્યા છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસને નકલી નોટોના કૌભાંડ મામલે ખૂબ મોટી સફળતા મળી છે.