અમદાવાદ જિલ્લાના બાવળામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી નકલી સરકારી ઓફિસ, નકલી અધિકારી, નકલી શાળા ચાલતી હોવાના ખુલાસાઓ થયા છે, ત્યારે હવે અમદાવાદમાં પણ આવું જ કંઈક થયું છે. હવે ગયા અઠવાડિયે અમદાવાદમાંથી નકલી શાળા પકડાયા બાદ હવે અમદાવાદમાં નકલી હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. બાવળામાં એક નકલી ડોક્ટર અને એક નકલી હોસ્પિટલ ઝડપાઈ છે.

અમદાવાદ જિલ્લામાંથી નકલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ પકડાઈ છે. બાવળાના કેરાલા ગામે ૨ દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વીડિયોથી તપાસ કરતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક, સર્જરી સહિત નવ વિભાગ ધમધમતા હતા. ૨ મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના યાનમાં ન આવ્યું, ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, બાવળાના કેરાલા ગામની આ અનન્યા હોસ્પિટલમાં સીડીએચઓએ રેડ પાડી હતી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ હોસ્પિટલ ચલાવતા બોગસ ડોક્ટરને પણ પકડી પાયો છે. માહિતી અનુસાર, આ હોસ્પિટલ મેહુલ ચાવડા નામનો વ્યક્તિ ચલાવતો હતો. તપાસમાં હોસ્પિટલ ચલાવતો મેહૂલ ચાવડા બોગસ ડૉક્ટર હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ આ હોસ્પિટલમાં એક સગીરાનું મોત થયું હતું. સગીરાના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો, જેની તપાસ કરતા આ નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે. આ નકલી હોસ્પિટલને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં ન આવ્યું.

અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમારે જણાવ્યું કે બે દિવસ પહેલા એક યુવતીનું મૃત્યુ થયું એ પછી તેનો વીડિયો વાયરલ થયો હતો. જેની તપાસ કરતા આજે અહીં નકલી હોસ્પીટલનો ભાંડો ફૂટ્યો છે. આ હોસ્પિટલ નોન-મેડીકલ વ્યક્તિ મેહુલ ચાવડા ચલાવી રહ્યો હતો. અહીં સ્ટાફ સાથે પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે તેઓ પણ આ બાબતે અજાણ છે. તમામ સ્ટાફને એ પણ ખ્યાલ નથી કે અહીં કોણ ડોક્ટર આવે છે. કોઈ ફાઈલ પર કોઈ ડોક્ટરનું નામ કે એડ્રેસ નથી લખ્યું. અહીં દર્દીઓના જીવને જોખમમાં મૂકવાનું કામ ચાલી રહ્યું હોવાની જાણ થતા અમે આ અનન્યા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને સીલ કરી દીધી છે.