
અમદાવાદ,
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ છે. જેમાં રાજ્યભરમાંથી ૧૬ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે બે જૈન સાધુઓ પણ ધોરણ ૧૦ની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતાં. સંસારનો ત્યાગ છતાં અભ્યાસનું જીવનમાં કેટલું મહત્વ છે, તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ આ જૈન મુનિઓએ બોર્ડની પરીક્ષા આપી પૂરું પડ્યું છે.
રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં અંદાજે ૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેને લઇ તંત્ર ખાસ વ્યવસ્થા કરી છે. પરીક્ષા આપી રહેલા પરીક્ષાર્થીઓની સાથે ધોરણ ૧૦ના બે અને ધોરણ ૧૨ના બે જૈન સાધુઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદની વિદ્યાનગર સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર બે જૈન સાધુ પણ પરીક્ષા આપવા પહોંચતા ઉપસ્થિત વાલીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. મુની અર્હમ કુમાર અને મુની ધ્રુવ કુમાર ધોરણ ૧૦ની પરીક્ષા આપવા પહોચ્યા હતા.
તેમણે વાતચીતમાં જણાવ્યું કે, તેમણે માત્ર ૧૩ વર્ષની વયે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધી ત્યારે માત્ર ૭ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. જોકે હવે પરીક્ષા આપી બીએ કરવાની ઈચ્છા સાધુઓએ વ્યક્ત કરી છે. આ બે મુની ઉપરાંત અન્ય બે સાધુઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપી રહ્યા છે. જે અંગે મુની અક્ષય પ્રકાશે જણાવ્યું કે, અમારા આચાર્ય મહશ્રવનજી યાત્રા પર છે. તેમની સાથે અન્ય મુનિઓ પણ યાત્રા પર નીકળ્યા છે. જે ચાર મુનીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તેમના ત્રણ રાજસ્થાન અને અન્ય એક મહરાષ્ટ્રના છે. મુની શુભાંકર કુમાર અને મુની પુનિત કુમાર ધોરણ ૧૨ની પરીક્ષા આપશે. અભ્યાસનું જીવનમાં ખૂબ મહત્વ છે. તેઓ ખુદ અમદાવાદના વતની છે અને સાધુ બન્યા પછી એમબીએની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ ઈકોનોમિક વિષય સાથે પીએચડી કર્યું હતું. મહત્વનું છે કે, અમદાવાદમાં ૪૯ જેટલા કેદીઓ પણ સેન્ટ્લ જેલમાં પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ૩૭ કેદીઓ ધોરણ ૧૦ અને ૧૨ કેદીઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપી રહ્યા છે.