અમદાવાદ-ઈન્દોર હાઈવે પુસરી ગામ પાસે બાઈક ચાલકને ફોર વ્હીલરે ટકકર મારતાં સારવાર દરમિયાન મોત

દાહોદ, અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર પુંસરી ગામે માવી ફળિયામાં રોડ પર રોડ ક્રોસ કરવા ઉભેલ મોટર સાયકલ ચાલકની મોટર સાયકલને પાછળથી પુરપાટ દોડી આવતી ફોરવ્હીલ ગાડી ટક્કર મારી નાસી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત મોટર સાયકલ ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના પુંસરી ગામે માળ ફળિયામાં રહેતા મેગુભાઈ પુંજાભાઈ મિનામા ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે જીજે-20-એચ-8473 નંબરરની મોટર સાયકલ લઈ માવી ફળિયામાં રોડની સાઈડમાં રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા. તે દરમ્યાન માતેલા સાંઢની જેમ યમદુત બની પુરપાટ દોડી આવતી જીજે-01- આર.વી.-3314 નંબરની ફોરવ્હીલ ગાડીએ મેગુભાઈ મિનાનામાની મોટર સાયકલને પાછળના ભાગેથી જોશભેર ટક્કર મારતાં મેગુભાઈને માથાના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતાં શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલાં લાવતાં જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

આ સંબંધે ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા પુંસરી ગામના મેગુભાઈ મિનામાના ભાઈ રતનાભાઈ પુંજાભાઈ મિનામાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ફોર વ્હીલ ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.