
ગાંધીનગર, અમદાવાદ-ગાંધીનગરના કર્મયોગીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને મળશે નવી ૭૦ એસ.ટી. બસ સેવાઓનો લાભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની ૭૦ નવીન બસોનું લોકાર્પણ કર્યું:રોજના પાંચ હજાર કર્મયોગીઓ લાભ લેશે અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી ૭૦ એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી ૭૦ એસ.ટી. બસોનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું. આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસ.ટી. નિગમ દૈનિક ૮ હજારથી વધુ બસોના કાફલા સાથે ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા ૨૫ લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા-આવવાની સેવાઓ પૂરી પાડે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે.
તદઅનુસાર, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના બજેટ પ્રાવધાન અન્વયે સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ ૨,૮૧૨ નવા વાહનો પેસેન્જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવનારા છે. આ નવા વાહનો પૈકી રૂ. ૨૬ કરોડના ખર્ચે ૭૦ બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયું હતું.
વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા ૧૪ મહિનામાં ૧,૫૨૦ નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની આ ૭૦ નવી બસોને લેગ ઓફ કરાવ્યું તે વેળાએ વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.