અમદાવાદ શહેર બુધવારના રોજ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટ પ્રમાણે, અમદાવાદમાં બુધવારે સવારે ૯ કલાકે ૫૫ એકયુઆઇ (હવાની ક્વોલિટી) હતી, જે સાંજે ૬ વાગે ૧૨૬ અને રાત્રીના ૯ વાગ્યા સુધીમાં ૧૬૩ થઈ ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદુષિત જોવા મળી હતી.
મનપાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે,વાયએમસીએ ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવતા ધુમાડો થયો હતો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પદૂષણ વયું હતું. અમદાવાદના ગ્યાસપુરમાં ૩૨૬ એકયુઆઇ સાથે સીધી ખરાબ હવા નોંધાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે ૨૨૦ એકયુઆઇ, સોની ચાલી વિસ્તારમાં ૨૧૦ એકયુઆઇ અને સેટેલાઈટ, રામદેવનગર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં સરેરાશ ૧૫૦-૨૦૦ સુધી એકયુઆઇ નોંધાયું હતું.
તો અંકલેશ્ર્વરમાં પણ પ્રદૂષણ વયું છે.પ્રદૂષણની સ્થિતિમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આ હવાનું સ્તર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, હવામાં પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે શ્ર્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, માથાનો દુખાવો જેવી પરેશાનીઓ આવી શકે છે.
વાહન ચલાવતી વખતે અને મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક અને ચશ્મા પહેરવાનું રાખો. શક્ય હોય તો ઘરમાં જ રહો અને ઘરના દરવાજા તેમજ બારીઓ બંધ રાખો. બાળકોને ઘરમાં રાખવા જોઈએ.