અમદાવાદ: ક્રાઇમ બ્રાંચે લીધી કિરણ પટેલની કસ્ટડી, કાલે સવારે અમદાવાદ પહોંચશે

અમદાવાદ,મહાઠગ કિરણ પટેલને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે કિરણ પટેલને અમદાવાદ લવાશે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે કિરણ પટેલની કસ્ટડી લીધી છે. ટીમ ઉધમપુરથી શ્રીનગર તરફના હાઇવે પર પહોંચી છે.જમ્મુ-કાશ્મીર કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી ટીમ રવાના થઇ છે. આવતીકાલે વહેલી સવારે ક્રાઈમબ્રાંચ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.

પીએમઓના નકલી અધિકારી બનીને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી જમ્મુ-કાશ્મીરના સેન્સિટિવ વિસ્તારની મુલાકાત લેનારા મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવતીકાલે વહેલી સવાર સુધી અમદાવાદ લઇને પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને પીએમઓનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચડાવી કે ભાઈ’સાબને ઝેડ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ એસયુવી, ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ જેવી વીવીઆઈપી સુવિધાઓ મળી રહી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચે કિરણ પટેલની કસ્ટડી લીધી છે.

કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટે તપાસ શરૂ કરી છે. વર્ષ ૨૦૧૯ની એક ફરિયાદ મામલે ઈડીએ તપાસ હાથ ધરી છે. કિરણ પટેલે વડોદરામાં ૨૦૧૮માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે અમદાવાદના જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સના માલિકને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે ૧ કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. તેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી રાવપુરા પોલીસે કિરણ પટેલની ધરપકડ પણ કરી હતી. વર્તમાન સમયમાં કિરણ પટેલના કરતૂતો બહાર આવતા ઇડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઇડીના યાને આ કેસની વિગતો આવતા એક ટીમ વડોદરા આવી હતી અને કિરણ પટેલના કેસની વિગતો મેળવી તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.

કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવશે. હાલ કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. થોડા દિવસ અગાઉ મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. મકાન પચાવી પાડવા અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્નીની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહાઠગ અને તેની પત્ની વિરુદ્ધમાં ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.