અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIને ભેગામળીને મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને DRIની ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી ડ્રગ્સ બનાવવાના કાચા સામાન સહિત 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા મહારાષ્ટ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. તો ક્રાઈમ બ્રાન્ચ અને DRIની કાર્યવાહી બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ ગઈ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ અને ડીસીપી ડ્રગ્સ મામલે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને ઔરંગાબાદની એક કડી મળી હતી. જે બાદ આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈએ DRI પાસે મદદ માંગી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની ટીમે એક એક્શન પ્લાન બનાવ્યો હતો અને બંને ટીમો સીધી ઔરંગાબાદ ખાતે પહોંચી હતી. આ દરમિયાન તેઓએ ઔરંગાબાદના ઔદ્યોગિક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એક કારખાનામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની ટીમ ચોંકી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીમાં 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રો-મટિરિયલ મળી કુલ 500 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઔરંગાબાદની અલગ અલગ 3 કંપનીઓમાં ડ્રગ્સ બનતું હતું. ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે.