અમદાવાદ, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ૨૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ મહત્વનું ઓપરેશન માનવામાં આવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં ડ્રગ્સના વિરોધની ઝુંબેશના પરિણામે તેને મળેલી કડીઓ પરથી મહારાષ્ટ્રમાં પણ તપાસ આદરી હતી.
અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના સહયોગમાં મહારાષ્ટ્રમાં સંભાજી નગર (અગાઉનું ઔરંગાબાદ) ખાતે ફેક્ટરી પર પાડેલા દરોડામાં ડ્રગ્સનો જંગી જથ્થો પકડ્યો હતો. ફેક્ટરીમાંથી કાચા માલના સ્વરૂપમાં ૧૦૭ લિટર પ્રવાહી મેકેડ્રોન કબ્જે કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા આ પ્રવાહીનું મૂલ્ય ૧૬૦ કરોડ રૂપિયા છે. એપેક્સ મેડિકેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી આ જથ્થો પકડાયો છે. ફેક્ટરી માલિક અને વેરહાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમે સંભાજી નગરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડો પાડીને ૪.૫ કિલો મેફેડ્રોન, ૪.૩ કિલો કેટામાઈન અને અન્ય ૯.૩ કિ.ગ્રા. મેફેડ્રોનનું મિશ્રણ જપ્ત કર્યું હતું. દરોડામાં, મુખ્ય કાવતરાખોર સહિત બે લોકોની એજન્સીઓએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇ આ કિસ્સાની ઘનિષ્ઠ રીતે તપાસ કરી રહી છે. તેમને આ કિસ્સામાં મોટા ફણગા ફૂટે તેમ લાગે છે. તેઓ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે. આગામી સમયમાં ડ્રગ્સ કેસના સંદર્ભમાં કોઈ નવી કડી તેમને મળી શકે તેવું તેમને લાગે છે. આના પરથી ગુજરાતમાં ડ્રગ્સનો કેટલો બેરોકટોક કારોબાર ચાલે છે તેનો અંદાજ આવે છે.