અમદાવાદ: શહેરમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક યુવતીએ પોતોનો જીવ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. શહેર ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી ગાયકવાડ હવેલી કેમ્પસમાં બુધવારે મોડી રાત્રે 32 વર્ષની મહિલા ડો. વૈશાલી જોષી મૃત હાલતમાં મળી આવી હતી. આ તબીબે ઇન્જેક્શન લઇને જીવન ટૂંકાવ્યાની માહિતી મળી રહી છે. આ મહિલા તબીબે આત્મહત્યા કરી છે કે નહીં તે અંગે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ચકચારી કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાયકવાડ હવેલી વિસ્તારના ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં એક મહિલા તબીબની રહસ્યમય રીતે લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. આ મહિલા તબીબ ઈકોનોમિક ઓફેન્સ વિગ (EOW)માં અનેક વખત પોતાની ફરિયાદ નોંધાવવા માટે અધિકારીઓને મળવા આવતા હતા. જોકે, તેમની ફરિયાદ અંગે અધિકારીઓ કોઇ જવાબ આપતા ન હતા. આથી કંટાળીને મહિલાએ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં વસંત રજત બંધુત્વ સ્મારક પાસે બેસીને પગમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યુ છે. જોકે, ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ મૃતક યુવતી ડો. વૈશાલી જોષી મૂળ બાલાસિનોરના વિરપુરની અને હાલમાં નહેરુનગર પાસે પીજીમાં રહેતા હતા.
આ BAMS ડોક્ટરએ તાજેતરમાં શહેરમાં એક ક્લિનિક ખોલ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, યુવતીનું મૃત્યુના તાર શહેર ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર બી કે ખાચર સાથે જોડાયેલા છે. જોકે, ખાચરની સંભવિત સંડોવણી અંગે, પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ ભાટીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, “કેસ તપાસ હેઠળ છે અને અમે આ તબક્કે કોઈની સંડોવણી વિશે કહી શકતા નથી.”