અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૫૦૦ તબીબો આજે બંધ પાળશે તેમજ ઓપીડી સેવા બંધ

પશ્ર્ચિમ બંગાળમાં જુનિયર મહિલા તબીબ પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાની ઘટનાનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. દેશભરના તબીબી આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. એટલું જ નહીં, મેડિકલનો અભ્યાસ કરી રહેલા ભાવિ ડોક્ટર્સમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યોં છે ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે અને આજે ઓપીડી સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે ઈમરજન્સી સેવાને અસર નહીં થાય તેવું પણ સિવિલના સત્તાધીશો જણાવી રહ્યાં છે.

અત્યાર સુધી તબીબો પર હુમલાની ઘટના અવારનવાર બનતી આવી છે પરંતુ આ વખતે મેડિકલનો અભ્યાસ કરી રહેલી અને જુનિયર ડોક્ટર પર અમાનુષી અત્યાચારની ઘટના બની છે. આ જુનિયર ડોક્ટર પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દેવાનું દુષ્કૃત્ય બન્યું છે જેનો વિરોધ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહ્યો છે પરંતુ હવે તે વિરોધ દેશભરમાં વકરી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.

એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના તબીબો આ મામલે વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ આજે કામકાજથી અળગા રહેશે. ડોક્ટર્સ આજે ઓપીડી સેવા બંધ રાખશે. સાથે જ ઈમરજન્સી સેવાને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બી જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના ડો. ધવલ ગામેતીએ જણાવ્યું કે, આ ઘટનાના વિરોધમાં ૪૦૦થી ૫૦૦ તબીબોએ વિરોધ પ્રદશત કર્યો છે જ્યાં સુધી આ ઘટનામાં પીડીતાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે કામકાજથી અળગા રહેવાના છીએ. ૧૬ ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ ઓપીડી સેવા અને વોર્ડ સેવાથી અળગા રહેવાના છીએ. જો કે ઈમરજન્સીના દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે. અમારા આ વિરોધને ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર્સ એસોસિએશને પણ સમર્થન આપ્યું છે.