
અમદાવાદ: ગુજરાતમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે સાંજે શહેરના નાના ચિલોડા પાસે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા બે વાહન ચાલકોને એક કાર ચાલકે અડફેટે લેતા બંનેને ઇજાઓ પહોંચી હતી, જેને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ અકસ્માત બાદ લોકોએ ગાડી તપાસી તો તેમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. જે મામલે પોલીસે ખરાઈ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ – ચિલોડા કરાઇ પાસે 8 વાગ્યે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો. કાર ચાલકે રસ્તા પરથી પસાર થતા બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. કાર ચાલકે જોરદાર ટક્કર મારતા બે વાહન ચાલકોને તો ઇજાઓ પહોંચી જ હતી, પરંતુ કારમાં બેઠેલા લોકોને પણ ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ જતા 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા.
આ અકસ્માત બાદ, લોકોએ અકસ્માત સર્જનારની કારની તપાસ કરતા તેમાં આગળની સીટ પરથી બિયરની બોટલો મળી આવી હતી. જેથી કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આ મામલે ટ્રાફિક અને સ્થાનિક પોલીસને જાણ કરાતા જી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને નરોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની તપાસ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોનો આક્ષેપ હતો કે, અકસ્માત સર્જનાર કારમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ હતી.
અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસ લખેલ પ્લેટ મળી આવી છે અને સાથે સાથે બીયરની પણ બોટલ પણ મળી આવી હતી. કાર ચાલકે ઘટના સ્થળે જ જણાવ્યું કે, મારી ગાડીમાં પોલીસની પ્લેટ હતી તે મને ખબર છે પણ બીયરની બોટલની મને ખબર નથી. આ ઉપરાંત તેમને પુછવામાં આવ્યું કે, ક્યાંથી આવે છે તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મારા છોકરાને મે DG ઓફિસમાં રાખ્યો છે, તો તને મુકીને આવી રહ્યો છું.