અમદાવાદ,આવતીકાલે ૬ એપ્રિલે હનુમાન જયંતિ હોવાથી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા આજે નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આરતી કરીને ઝંડી બતાવી યાત્રા શરૂ કરાવી હતી. રથયાત્રા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રીએ હનુમાનજીની શોભાયાત્રા શરૂ કરાવી હતી
કેમ્પ હનુમાનજીની શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત હાજર રહ્યા હતા. અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે એક વખત કેમ્પ હનુમાનની શોભાયાત્રાના પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત શોભાયાત્રામાં હાજર રહ્યા છે. સવારે ૮ વાગે મુખ્યમંત્રીએ મંદિરમાં હનુમાનજીની આરતી કરી હતી. ત્યારબાદ રથને ઝંડી આપી હતી. આ ઉપરાંત આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે શ્રીફળ વધેરીને રથનો પ્રારંભ શરૂ કરાવ્યો હતો. રથનો પ્રારંભ થતા કેમ્પ હનુમાનથી રથયાત્રા નીકળી હતી. જેમાં ૩૦ ટ્રક, ૩૦૦ ટુ વ્હીલર, ૫૦ ગાડીઓ જોડાઇ હતી.રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા ૪૦ સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે.
૨૦ કિમીની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી જશે. મંદિરથી સુભાષબ્રિજ, ઉસ્માનપુરા, ઇક્ધમટેક્ષ,પાલડી, અંજલિ ચાર રસ્તા, ચંદ્રનગર થઈ વાસણા પહોંચશે.૨ વાગે વાસણા પહોંચશે,ત્યાંથી ૨:૩૦ વાગે યાત્રા પ્રસ્થાન કરશે.ધરણીધર, માણેક બાગ, પાંજરાપોળ,વિજય ચાર રસ્તા, ઉસ્માનપુરા,સુભાષબ્રિજ થઈ યાત્રા મંદિર પરત ફરશે.૬ એપ્રિલે હનુમાન જ્યંતી નિમિતે મંદિરમાં સવારે ૬ વાગ્યાથી દર્શન શરૂ થશે.૬:૩૦ વાગે આરતી થશે.૭ થી ૯ વાગ્યા સુધી સુંદરકાંડ ચાલશે.૧૦ વાગે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.૧૧ વાગે મારુતિ યજ્ઞ થશે.૧૨:૪૦ ધજા ચઢાવવામાં આવશે.૧૨ વાગે મંદિરમાં ૫૦૦૦ લોકોનો ભંડારો થશે. રાતે ૧૨ વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.