અમદાવાદમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. અમદાવાદમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં બેફામ દોડતી બીઆરટીએસે વધુ એક જીવ લીધો હતો.
શહેરમાં બેફામ રીતે દોડતી બીઆરટીએસ બસના ચાલકે ઠક્કરનગર પાસે રાહદારીને ટક્કર મારી હતી. બસની ટક્કરથી રાહદારી ગંભીર રીતે ઘવાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નરોડાથી નારોલ જતી બીઆરટીએસને કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદના વાળીનાથ ચોક પાસેના એઇસી બ્રિજ પર મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇઆઇએમ તરફથી આવી રહેલી થાર કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે થાર પુલના છેડે દિવાલ સાથે અથડાઈ હતી અને આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. અકસ્માત બાદ કાર પલટી ગઈ હતી. આ સમયે થાર કાર સાઇડમાં પાર્ક કરેલી વેગોનીર કારને પણ ટક્કર મારી હતી. ઘટના બાદ મોડી રાત્રે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અમદાવાદના નિકોલના ડી-માર્ટ રોડ પર બેદરકારીભર્યા કાર ચાલકે અકસ્માતોની શ્રેણી સર્જી હતી. કાર ચાલકે બે એક્ટિવા, એક બાઇક અને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રામોલ ટ્રાફિક ફર્સ્ટ ડિવિઝન દ્વારા બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા એક બાઇક સવારે કારને ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે આ અકસ્માતમાં કાર ચાલક નર્વસ થઈ ગયો હતો અને ગભરાઈને ડ્રાઈવિંગ કરતી વખતે તેણે અન્ય વાહનોને ટક્કર મારી હતી.