
અમદાવાદમાં હત્યા-આત્મહત્યાના બનાવ વધી રહ્યાં છે. ગઈ કાલે એલડી એન્જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત બાદ આજે ફરી આપઘાતનો કિસ્સો બન્યો છે. સાઉથ બોપલમાં લગ્નના બે દિવસ બાદ પરણીતાએ ૧૨ માળેથી પડતું મૂકીને કર્યો આપઘાત કરી લીધો હતો. બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી.
સાઉથ બોપલમાં ન્યૂ સાઉથ વિન્ડ્સ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ૩૨ વર્ષીય ડિમ્પલ જોબનપુત્રા લગ્નના માત્ર બે દિવસ બાદ મંગળવારે સાંજે ૬ વાગ્યે તેના બિલ્ડિંગના ૧૨મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા મોં ટેપથી બંધ કરીને પડતું મૂક્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક ડિમ્પલ જોબનપુત્રાએ રવિવારે રથયાત્રાના દિવસે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર આકાશ તન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ જોબનપુત્રા સુરતની રહેવાસી હતી. આકાશ અને ડિમ્પલના બીજા લગ્ન હતા અને સમાજની વેબસાઈટ પર લગ્ન નિર્ધારીત થયાં હતા. પહેલા લગ્ન નિષ્ફળ જતાં ડિમ્પલ ભારે આઘાતમાં હતી, બીજા લગ્ન માટે તે રાહ જોવા માગતી હતી પરંતુ પરિવારે દબાણથી લગ્ન કરાવી દેતાં તેણે જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં બોપલ પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ શરૂ કરી.
પાલડીના મહાલક્ષ્મી લેટમાં જીએલએસ કોલેજના પ્રોફેસર મૈત્રેય ભગતે પોતાની સગી માતાની છરીથી હત્યા કરી નાખીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પડોશીઓએ જાણ કરતાં પોલીસ મહાલક્ષ્મી લેટમાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પાડોશીઓનું કહેવું હતું કે પ્રોફેસર મૈત્રેય ભગત દરરોજ વહેલી સવારે નોકરી પર જાય છે પરંતુ બુધવારે સવારે દરવાજો બંધ હોવાથી શંકાને આધારે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને કોઈક રીતે દરવાજો ખોલ્યો ત્યારે માતા અને પુત્રની લાશ મળી આવી હતી. આ પછી એફએસએલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવાઈ હતી. ઘરમાં ફક્ત માતા-પુત્ર જ રહેતા હતા. પાડોશીઓનું કહેવું હતું કે પ્રોફેસર થોડા સમયથી ડીપ્રેશનમાં રહેતાં હતા.
જોકે તપાસમાં હત્યા-આપઘાતનું સાચું કારણ સામે આવશે. માતાની હત્યા કરીને આપઘાત કરનાર પ્રોફેસર મૈત્રેય ભગત (૪૨ વર્ષ) કોલેજમાં ઈકોનોમિક્સ વિભાગનાં પ્રોફેસર હતા. જ્યારે માતા દત્તા ભગત ૭૫ વર્ષના હતા. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી લેટમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. મૈત્રેય ખાધે-પીધે સુખી હતા અને પિતા હયાત નથી એક બહેન જે સુરતમાં રહે છે. ઝોન -૭ના ડીસીપી, શિવમ વર્માએ કહ્યું કે તપાસમાં અમને માલૂમ પડ્યું કે મૈત્રેય ભગતે આપઘાત કર્યો હોઇ શકે છે. મૈત્રેયની માતાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. જેની પાસેથી રસોડામાં વપરાતી છરી પણ મળી આવી હતી. હાલ લાગી રહ્યુ છે કે ડિપ્રેશનને કારણે આવું બન્યું હોવું જોઇએ. મૃતકની વાત મંગળવારે રાતે આઠ વાગે મામા સાથે થઇ હતી. એટલે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, આ ઘટના મોડી રાતે બની હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંકલેશ્વરમાં પુત્રે માતાની હત્યા કરી હતી. જીઆઈડીસીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાંત ચૌધરીએ બોલાચાલીમાં માતાનું ચપ્પાથી ખૂન કરી નાખ્યું હતું.