અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ ટી ૨૦ મુકાબલા માટે ટિકિટનું વેચાણ શરૂ: પૂરબહારમાં ખરીદી

અમદાવાદ,

વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ૧ ફેબ્રુઆરીએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો થવાનો છે તેને લઈને ક્રિકેટરસિકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આ મુકાબલાના સાક્ષી બનવા ક્રિકેટરસિકો માટે ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ સ્ટેડિયમની ક્ષમતા એક લાખથી વધુની છે ત્યારે અહીં ટિકિટનો ભાવ ૫૦૦થી લઈ દસ હજાર રૂપિયા સુધીનો હોવાનો જાણવા મળી રહ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ મેચ માટે ફિઝિકલ મતલબ કે ઑફલાઈન ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં અને ક્રિકેટરસિકો માત્ર ઓનલાઈન ટિકિટ જ ખરીદ કરી શકશે. આ માટે ’બુક માય શો’ પ્લેટફોર્મ ઉપરથી ટિકિટ બુક કરી શકાશે. ટિકિટનું વેચાણ ગઈકાલથી શરૂ થઈ ગયું છે અને પ્રારંભે જ તેની ખરીદી પૂરબહારમાં શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મેચની ટિકિટનો ભાવ ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦, ૨૫૦૦૦, ૪૦૦૦, ૬૦૦૦ તેમજ ૧૦,૦૦૦ રૂપિયાની એક ટિકિટ મળશે. મેદાનની ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગના કે, એલ અને ક્યુ બ્લોકનો ટિકિટનો ભાવ ૫૦૦ રૂપિયા તો મેદાનની ચારેબાજુ આવેલા બી, સી, ઈ, એફ બ્લોકની ટિકિટનો ભાવ ૧૦૦૦ રૂપિયા છે.