અમદાવાદ: અટલ બ્રિજ પર વધુ ૨ ટફન ગ્લાસ તૂટી ગયા, એક કાચ તૂટીને નદીમાં પડ્યા

અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પરનો અટલ બ્રિજ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દેશ વિદેશના મહેમાનો પણ અમદાવાદ આવે ત્યારે તેની મુલાકાત લેતા હોય છે અને તસ્વીરો પણ ખેંચાવતા હોય છે. અટલ બ્રિજને વધુ આકર્ષક બનાવવા માટે બ્રિજના કઠેડા પર ટફન ગ્લાસ લગાડવામાં આવ્યા હતા.

પરંતુ હાલમાં અહીં બે ટફન ગ્લાસ તૂટી ગયા છે. અટલ બ્રિજ પર તુટેલા બે પૈકી એક ગ્લાસ સાબરમતી નદીમાં તૂટીને પડી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટફન ગ્લાસ માટે કહેવામાં આવ્યું હતું કે, અહીં ૧૦૦૦ કિલો વજન સહન કરી શકે એ પ્રકારના ગ્લાસ લગાડવામાં આવ્યા હતા. આ ટફન ગ્લાસ ૮ પ્રકારના લેયર વડે તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે આ ગ્લાસ ખરાબ ગુણવત્તાને લઈને તૂટ્યા કે પછી કોઈએ તોડી નાંખ્યા હતા એ હવે તપાસનો વિષય બન્યો છે.