જિસકા મુજે થા ઈંતેઝાર વો ઘડી આ ગઈ…ડોન ફિલ્મના ગીતની આ કળી એટલા માટે યાદ આવી કારણકે, હાલમાં ગુજરાત સરકારે વાઈબ્રન્ટને પગલે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેની એક ચોક્કસ વર્ગ રાહ જોઈને જ બેઠો હોય છે. એક ચોક્કસ શું પીવા વાળી પબ્લિક…ને સરકારની એક નિર્ણયથી મોજ પડી ગઈ છે. ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટ દરમિયાન વાઈન શોપના ટાઈમિંગમાં વધારો કર્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા દેશ વિદેશથી ડેલિગેટ્સ આવતા હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે.
આજથી એટલેકે, બુધવારથી ત્રણ દિવસ માટે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ શરુ થઇ રહી છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરથી મહેમાનો ગુજરાત આવી રહ્યાં છે. આ મહેમાનો અમદાવાદ અને ગાંધીનગરમાં રોકાવાના છે. ત્યારે તેમની આગતા સ્વાગતા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.
ગિફ્ટ સિટી બાદ વાઈબ્રન્ટ સમિટ માટે સરકારે લિકર સંબંધિત નિયમો હળવા કર્યા છે. આ ગ્લોબલ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગર જીલ્લામાં આવેલી વાઈન શોપને રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવા માટે મંજુરી આપી છે. આ મંજુરી ૧૦,૧૧,૧૨ જાન્યુઆરી સુધી માન્ય રહેશે. એવું પહેલીવાર થશે કે વાઈન શોપ્સ ૮ કલાકના બદલે ૧૪ કલાક ચાલુ રહેશે. રાજ્યના નશાબંધી અને આબકારી જકાત વિભાગના નોટીફિકેશન મુજબ વાઈબ્રન્ટ ઇવેન્ટ દરમિયાન વિદેશી દારૂના વેચાણ માટે ગાંધીનગર અને અમદાવાદ જીલ્લામાં આવેલી વાઈન શોપ સવારે ૧૦થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે મંજુરી આપવામાં આવી છે.
અગાઉ સમિટના પગલે વાઈન શોપ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે મંજુરી માંગવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વાઈન શોપ ખુલ્લી રાખી શકાય છે.