અમદાવાદ: એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરીને સારું વળતળ આપવાની લાલચ આપીને ડોક્ટરે મિત્રને 5.75 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવક સહિત ત્રણ લોકો વિરૂદ્ધ તેના મિત્રએ છેતરપીંડીનો ગુનો નોંધાવ્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલા વિક્રમ પાર્કમાં રહેતા જીગર શહેરાવાળાએ ક્રાઇમ બ્રાંચના ઇકોનોમીક સેલમાં હાર્દિક પટવા (રહે, સુરત), હેમંત પરમાર (રહે, સુરત) અને મયુર ગોસ્વામી (રહે, સુરત) વિરૂદ્ધ કરોડો રૂપિયાના છેતરપીંડીની ફરિયાદ કરી છે.
જીગર હાલ શારદાબેન હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. આ પહેલા તે વી.એસ.હોસ્પિટલ અને એન.એચ.એલ મ્યુનિસિપલ મેડીકલ કોલેજમાં નોકરી કરતો હતો. વર્ષ 2003થી 2009 સુધી જીગર સુરતની સ્મીમેર મેડીકલ કોલેજ ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે હાર્દિક પટવા નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. હાર્દિક પણ સ્મીમેર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને જીગરનો સીનીયર હતો. બન્ને વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ હતી અને તે દરમિયાન હાર્દિક સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડીક વિભાગમાં ટ્યુટર તરીકે નોકરી કરવા લાગ્યો હતો. હાર્દિક અને જીગર એકબીજાના સંપર્કમાં હતા.
જીગર અમદાવાદ આવી ગયો હતો અને બાદમાં અલગ અલગ હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો હતો. વર્ષ 2019માં જીગર શારદાબેન હોસ્પિટલમા નોકરી કરતો હતો ત્યારે હાર્દિક તે મળવા માટે આવ્યો હતો.હાર્દિકે જીગરને જણાવ્યુ હતું કે, તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતો હોવાથી એમ્ય્બુલન્સ સર્વીસ ચાલુ કરી શકતો નથી. જેથી તેણે તેના મિત્ર હેમંત પરમારના નામે સનસાઇ એમ્બ્યુલન્સ સર્વીસ ચાલુ કરી છે. મારી કંપનીમાં હેંમત ભાગીદાર છે અને વિવિધ હોસ્પિટલ તેમજ કંપનીઓમાં કોટ્રાક્ટ રાખીને એમ્બ્યુલન્સ સેવા પુરી આપીએ છીએ. આ ધંધામાં સારુ વળતળ મળે છે અને હેમંત ખાલી નામનો માલીક છે. હાર્દિકે જીગરને આ ધંધામાં રોકાણ કરવાની ઓફર આપી હતી પરંતુ તેને ઇન્કાર કરી દીધો હતો.
બાદમાં હાર્દિક અનેક વખત જીગરને મળતો હતો અને કહેતો હતો અમારી પાસે રૂપિયાની સગવડ નહી હોવાથી એમ્બ્યુલન્સ ખરીદી શકતા નથી અને ઘણી બધી હોસ્પિટલના કામ કરી શકતા નથી. અમારી કંપનીને સ્ટેન પ્લસ અને જે.એસ.ડબ્લ્યુ સાથે કરાર થયા છે જેથી નવી એમ્બ્યુલન્સ ખરીદી કરવા માટે રોકાણની જરૂર છે. એમ્બ્યુલન્સમાં પેરામેડીકલ ડોક્ટર તથા ડ્રાઇવરની વ્યવસ્થા હોસ્પિટલ કરશે તેવુ પણ હાર્દિકે જીગરને સમજાવ્યુ હતું. હાર્દિકે જીગરને આ ધંધામાં કેટલો પ્રોફીટ મળશે તેમ પણ વિગતવાર સમજાવ્યુ હતું. હાર્દિકે તેમના કહેવાતા ભાગીદાર હેમંત સાથે પણ મુલાકાત કરાવી હતી. જીગરને હાર્દિકની વાત પર વિશ્વાસ આવી જતા તેણે રોકાણ કરવાની તૈયારી બતાવી હતી અને 16.92 લાખ અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાસ્ફર કર્યા હતા. હાર્કિદે જીગરને ટુકડે ટુકડે વળતર આપવાનું શરૂ કરતા તેને વધુ વિશ્વાસ બેઠો હતો.
હાર્દિકને આ ધંધામાં વધુ રોકાણની જરૂર પડતા જીગરે વધુ 13 લાખ રૂપિયા ટ્રાસ્ફર કર્યા હતા. આ બાદ હાર્દિકે યશ એમ્બ્યુલન્સ સર્વિસીસના નામે કંપની ચાલુ કરી હતી જેનો માલિક મયુર ગોસ્વામી હતો. આ કંપનીમાં પણ ઇન્વેસ્ટ કરવા માટે હાર્કિદે જીગરને કહ્યુ હતું. જીગરને વળતર મળતુ હોવાથી તેણે 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું જેનું વળત હાર્દિક દર મહિને ચુકવી દેતો હતો. હાર્દિકને વધુ રોકાણની જરૂર પડતા જીગરે તેના મિત્ર વર્તુળમાંથી પણ રૂપિયા ઉઘરાવીને આપ્યા હતા. જીગરે કુલ 5.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું જેમા તેને વળતર પેટે 33.55 લાખ રૂપિયા આપ્યા હતા. જીગરે પોતાના તમામ રૂપિયા પરત માંગતા હાર્દિકે તેની સાથે છેતરપીંડી આચરી હતી. ક્રાઇમ બ્રાંચની ઇકોનોમીક સેલે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.