અમદાવાદ, અમદાવાદના બાપુનગરમાં એક પુત્ર એ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં અશોકભાઈ તેના નાના અને માતા સાથે રહેતા હતા. ગત ૨૫ માર્ચના ધુળેટીના દિવસે અશોકભાઈ ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. અશોકભાઇની માતાને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં અશોકભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે અશોકભાઈના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું પડી જવાથી નહીં પરંતુ તેની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં અને અશોકભાઈના પત્નીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ધુળેટીના તહેવારમાં અશોકભાઈ ઘરે હતા ત્યારે બીજો પુત્ર લોકેશ તેના ઘરે આવ્યો હતો અને પિતાને ‘તમે મને કેમ તમારી સાથે રાખતા નથી’ તેમ કહી બીભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બાદમાં દીકરા લોકેશે કપડાં ધોવાના ધોકા થી પિતા પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમજ લોકેશે દાદીને પણ આ અંગે કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તે ઘરેથી નાસી ગયો હતો. સમગ્ર ઘટના બાદ દાદીએ અન્ય પુત્ર મીતને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીત દ્વારા પોલીસમાં ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હાલ તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક અશોકભાઈ અને તેની પત્નીને મનમેળ ન હોવાથી બંને વર્ષ ૨૦૦૭થી જુદા રહેતા હતા તેમજ મોટો પુત્ર લોકેશ માતા સાથે રહેતો હતો અને નાનો પુત્ર મીત પિતા સાથે રહેતો હતો. મોટો પુત્ર લોકેશ ઘણા સમયથી કોઈ કામ ધંધો નહીં કરતા હોવાથી બેકાર હતો. જેથી તેને પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હતો. જેનો ખાર રાખી તેણે પિતાની હત્યા કરી નાખી હતી. હાલ તો નાનાભાઈ મીતની ફરિયાદને આધારે પોલીસે મોટાભાઈ લોકેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.