શહેરના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર બુધવારે મોડી રાતે બે અકસ્માત સર્જાયા છે. જેમાં પહેલા થાર કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગું થયું હતુ. આ ઉપરાંત પૂરપાટ સ્પીડમાં દોડતી જેગુઆર કાર આવી અને ત્યાં હાજર ટોળાને કચડી નાંખ્યું હતુ. આ ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચ લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. એક માતેલા સાંઢની જેમ આવતી આ કારનો ચાલક તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપના દુષ્કર્મનો આરોપી છે.
બુધવારે રાતે સવા વાગ્યાની આસપાસ ઇસ્કોન બ્રિજ પર બે અકસ્માત સર્જાયા હતા. પહેલા અકસ્માતમાં થાર એસયુવી અને ડમ્પરની ધડાકાભેર ટક્કર થઇ હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત જોવા માટે સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન પૂરપાટ આવતી જેગુઆર કારે બ્રિજ પર હાજર લોકોને કચડી નાંખ્યા હતા. જ્યાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે, કાર ચાલક સત્ય પટેલ પણ ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ પોલીસે ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને અસ્થાયી ધોરણે બંધ કરી દીધો હતો.
અમદાવાદ ટ્રાફિક પોલીસના એસીપી એસ. જે. મોદીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્યને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેગુઆરના ડ્રાઇવરને તથ્ય પટેલને ખાનગી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ યુવક સિવાય અન્ય એક છોકરો અને એક છોકરી જગુઆરમાં સવાર હતા. આ બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.
તથ્ય પટેલ નામના નબીરાએ આ ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ યુવાન જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ યુવાન બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો છોકરો છે. આ અકસ્માતને જોનારા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે બાદ અકસ્માત સર્જીને ભાગવા જતા તથ્ય પટેલને લોકોએ ત્યાં જ મળીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ તથ્યને પોલીસ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આની સારવાર બાદ તેની ધરપકડ થઇ શકે છે તેવી માહિતી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.