આગ્રા,દુનિયાની સાતમી અજાયબી એવો આગ્રાનો તાજમહેલ ઘણા રહસ્યો લઈને અડીખમ છે.આવું જ એક રહસ્ય તેના ગુપ્ત ૨૨ ભોંયરા છે. ગત વર્ષે આ ૨૨ રુમ ખોલાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજદારોને એ જાણવામાં રુચિ હતી કે ગુપ્ત રુમમાં શું છે તે બહાર આવે. પરંતુ હવે તેનો ખુલાસો થયો છે. તાજમહેલના આ રૂમોની મુલાકાત લેનારા પુરાતત્વવિદ કે.કે.મોહમ્મદનો દાવો છે કે તેઓ એવા થોડા લોકોમાં સામેલ છે જેઓ ૨૨ રુમમાં જઈ આવ્યાં છે. તેમની સાથે કેટલાક મુસ્લિમ લોકો પણ હતા, જ્યારે બાકીના મોટા ભાગના હિન્દુ હતા.
તાજમહેલના ભોંયરામાં મૂર્તિઓની વાત પર કેકે મોહમ્મદનું કહેવું છે કે આ બધી વસ્તુઓ એક્સ્ટ્રીમ ગ્રુપ્સ દ્વારા કરવામાં આવે છે. ત્યાં ૨૨ ઓરડાઓ છે, પરંતુ તેમાંના મોટા ભાગના ખાલી છે. મધ્યભાગમાં એક કબર છે, જે તેનાથી પણ નીચે છે. તે કબર શાહજહાં અને મુમતાઝ મહેલની છે. ઉપરાંત, તે ઓરડાઓમાં કંઈ જ નથી. તેમણે કહ્યું કે, આ કેસમાં એએસઆઈએ પણ જવાબ આપ્યો છે. મારા સિવાય બેથી ત્રણ મુસ્લિમ અધિકારીઓ હતા, બાકીના બધા હિન્દુ અધિકારીઓ હતા જે અંદર ગયા હતા. આ ૨૨ ઓરડાઓમાંથી, ચાર ઓરડાઓ મોટા છે, જ્યારે બાકીના ૧૮ ઓરડાઓ નાના ઓરડાઓ છે અને બધાનો રસ્તો એક નથી.
મોહમ્મદે કહ્યું કે ઘણા હિન્દુ સંગઠનો તાજમહેલને તેજો મહાલય મંદિર અને ૧૧મી સદી જૂના મંદિર તરીકે ઓળખાવે છે. હું તેમને પ્રાચીન સમયગાળા દરમિયાન કમાન ધરાવતા મંદિરનું સૂચન કરવા કહું છું. અમે ક્યારેય કમાનોનો ઉપયોગ કર્યો નથી. મુસ્લિમો કમાન પ્રથા લાવ્યા. સાથે જ આ ગુંબજ તો આજના મંદિરોમાં છે, પરંતુ તે પહેલાના મંદિરોમાં નહોતો. તાજમહેલમાં ડબલ ગુંબજ છે. તે મુઘલો પહેલાં ભારતમાં આવ્યો ન હતો.
ગયા વર્ષે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ હંગામો વધ્યા બાદ ૨૨ રૂમની કેટલીક તસવીરો જાહેર કરી હતી. આ તસવીરો એએસઆઇ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ ઓરડાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન તેની તસવીરો લેવામાં આવી હતી અને બાદમાં તેને રિલિઝ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ૨૨ રૂમ ખોલવાની અરજીને ફગાવી દેતા તેને પીઆઈએલ સિસ્ટમની મજાક ગણાવી હતી. અરજદારને ઠપકો આપતાં કોર્ટે કહ્યું હતું કે મહેરબાની કરીને પીઆઈએલ સિસ્ટમની મજાક ન ઉડાવો. આ મુદ્દે ડ્રોઈંગરૂમમાં અમારી સાથે દલીલ કરવા માટે હું તમારું સ્વાગત કરું છું, કોર્ટમાં નહીં.