અગ્નિકાંડમાં જવાબદાર આઇએએસ હોય કે આઇપીએસ, કોઈ ચમરબંધીને નહીં છોડાય:એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદી

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રચેલ સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએ સુચક નિવેદન કર્યું છે.એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા આઈએએસ કે પછી આઈપીએસને છોડવામાં નહીં આવે. તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

તેમણે વધુમાં કહ્યું કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીજીવીસીએલ, રાજકોટ ફાયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ પોલીસમાં તમામ સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે જી્ંૈ રિપોર્ટ પહેલા ગુજરાત સરકારે સસ્પેન્ડ કરેલા પોલીસ, મનપા અને અન્ય વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધાશે કે નહીં તેવા પ્રશ્ર્નના ઉત્તરમાં સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ નીતિવિષયક બાબત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજકોટના અગ્નિકાંડની ઘટના ઘટવાની ગણતરીના કલાકોમાં જ, સુભાષ ત્રિવેદીના અયક્ષસ્થાને સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. એસઆઇટીને તેમનો પ્રાથમિક અહેવાલ ૭૨ કલાકમાં સુપરત કરવાનો પણ સરકારે આદેશ કર્યો હતો. જ્યારે વિગતવાર પૂર્ણ અહેવાલ ૧૦ દિવસમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ગાંધીનગર ખાતે આજે સવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં, એસઆઇટીના સભ્યોની એક બેઠક મળી હતી. જેમાં એસઆઇટી દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરવામાં આવી હતી. એસઆઇટી દ્વારા અગ્નિકાંડ મુદ્દે વિવિધ અધિકારી, કર્મચારીઓ અને જવાબદારોના લેવાયેલા નિવેદનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે પછી અગ્નિકાંડ સંબંધમાં આગામી તપાસના મુદ્દા સહિત ફાઇનલ રીપોર્ટ અંગે ચર્ચા કરવામા આવી હતી.