
રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભીષણ આગ લાગતાં બાર બાળકો સહિત ઓછામાં ઓછા ૩૫ લોકોનાં કમકમાટીપૂર્ણ મોતના બેહદ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ સમાચારમાંથી દેશ બહાર પણ નહોતો આવ્યો કે ત્યારે જ પૂર્વ દિલ્હીની બાળકોની એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી સાત નવજાત શિશુઓનાં મોતના એક બીજા સમાચારે દેશને હચમચાવી દીધો. કહેવાય છે કે રાજકોટમાં લાકડું, ટીન અને થર્મોકોલના અસ્થાયી માળખાથી બનાવવામાં આવેલ વિશાળ મનોરંજન પાર્કમાં ત્યારે આગ લાગી, જ્યારે ત્યાં વેલ્ડિંગનું કામ થઈ રહ્યું હતું. ગુજરાત હાઇકોર્ટે એ પુષ્ટિ પણ કરી કે જ્યાં આગ લાગી હતી ત્યાં પેટ્રોલ, ફાઇબર અને ફાઇબર ગ્લાસ શીટ જેવી અત્યધિક જ્વલનશીલ ચીજો એકઠી મૂકવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે માત્ર ત્રીસ સેકન્ડમાં જ આખું ગેમ ઝોન ભીષણ આગની ઝપટમાં આવી ગયું. રજાના દિવસે ટિકિટના દરોમાં રાહત હોવાના કારણે ત્યાં પહોંચેલી ભારે ભીડથી સ્થિતિ વધુ વિકટ થઈ ગઈ. બીજી તરફ દિલ્હીની હોસ્પિટલમાં લાગેલ આગને લઈને પોલીસનું કહેવું છે કે હોસ્પિટલ પાસે ઊભેલી કોઈ એમ્બ્યૂલન્સમાં ઓક્સિજન ભરવામાં આવતો હતો, ત્યારે જ સિલિન્ડર ફાટી ગયો, જોકે સ્થાનિક લોકોનો આરોપ છે કે હોસ્પિટલની નીચે ઘણા સમયથી ગેરકાયદે રૂપે ઓક્સિજન સિલિન્ડરનો કારોબાર ચાલી રહ્યો છે.
ગુજરાત અને દિલ્હીની ઘટનાઓથી બે વાતો સ્પષ્ટ થાય છે. પહેલી, આ દુર્ઘટનાઓ માનવીય લાપરવાહીનું જ પરિણામ છે અને બીજી એ કે આપણે આપણી જૂની ભૂલોમાંથી બોધપાઠ નથી લેતા. લગભગ પાંચ વર્ષ પહેલાં સૂરતમાં જે તક્ષશિલા કોચિંગ અગિદ્ઘકાંડ થયો હતો, જેમાં ઇમારતમાં લાગેલી આગથી બચવા માટે બાળકો બારીઓમાંથી કૂદવા લાગ્યા હતા અને ૨૨ બાળકોનાં મોત થયાં હતાં, એ સમયે પણ વ્યવસ્થાઓને સુધારવાના કેટલાય ઇરાદા વ્યક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ જેવું ગુજરાત હાઇકોર્ટે નોંયું છે કે આવા ગેમ ઝોન નિર્માણમાં હજુ પણ કાનૂની નિર્દેશોનું પાલન નહોતું કરાતું. અસલમાં અગિદ્ઘ સુરક્ષાને લઈને વિભિન્ન રાજ્યોના કાયદાઓ વચ્ચે ઘણી ભિન્નતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૧૯માં એક મોડલ ફાયર એક્ટ જાહેર કર્યો, જેને રાજ્ય સરકારો દ્વારા અપનાવવાની જોગવાઈઓને માનકીકૃત કરવાની આશા રાખવામાં આવી હતી. પરંતુ અફસોસની વાત એ છે કે મોટાભાગનાં રાજ્યોએ અત્યાર સુધી એવું નથી કર્યું. જ્યારે દેશનાં મોટાં શહેરોમાં જ આવી રેઢિયાળ સ્થિતિ હોય તો સમજી શકાય કે નાનાં શહેરો-કસ્બામાં સુરક્ષા ઉપાયોની કેવી અવગણના થતી હશે? રાજકોટ અને દિલ્હીની ઘટનાઓ એ જ દર્શાવે છે કે આપણા દેશમાં રેઢિયાળ સંસ્કૃતિ ખતમ થવાનું નામ નથી લેતી, કારણ કે ઘટનાની જવાબદારી નક્કી કરવાને બદલે ઢાંકપિછોડો કરવાની પ્રવૃત્તિ જ ચાલે છે. રાજકોટ દુર્ઘટનામાં ક્ષત-વિક્ષત લાશો મળવી અને દિલ્હીમાં નવજાતોનું બળી મરવું ખરેખર હૃદયદ્રાવક છે, જેની તપાસ તો થઈ રહી છે, પરંતુ આ કવાયતોનો ત્યારે જ મતલબ છે જ્યારે દોષીઓને આકરો દંડ મળે અને ભૂલો પરથી બોધપાઠ લઈને જરૂરી સુધારા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરીથી ન થાય.