આફ્રિકન દેશ માલાવીમાં ચક્રવાત ફ્રેડીએ તબાહી મચાવી, ૩૦૦થી વધુ લોકોના મોત

માલાવી,

ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફ્રેડીએ દક્ષિણ-પૂર્વ આફ્રિકાના માલાવીમાં તબાહી મચાવી છે. આ ચક્રવાતને કારણે માલાવીમાં ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. જમીનથી ઘેરાયેલા દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અફેર્સ વિભાગે આ માહિતી આપી છે. રાહત અને બચાવકાર્યની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાતના પગલે થયેલા વિનાશથી ઘણા લોકો ફસાયેલા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક ચિલોબવેમાં ૩૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો લાપતા છે. શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. અનેક વિસ્તારોમાં શક્તિશાળી ચક્રવાતનો કહેર જોવા મળી રહ્યો છે.

આ ભીષણ ચક્રવાતએ શનિવારે મધ્ય મોઝામ્બિકમાં તબાહી મચાવી હતી. ચક્રવાત એટલું તીવ્ર હતું કે ઇમારતોની છત તુટી ગઈ હતી અને ભૂસ્ખલનને કારણે માલાવી બાજુના ક્વિલિમેન બંદરની આસપાસ પૂર આવ્યું હતું. માલાવી પણ તેના ઈતિહાસમાં સૌથી ભયંકર કોલેરા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પૂર અને નુક્સાનકારક પવનોનું જોખમ ઘણું વધારે છે. આ પહેલા મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત ફ્રેડીના કારણે માલાવી, મોઝામ્બિક અને મેડાગાસ્કરમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત પ્રભાવિત દેશોના લોકોના મુશ્કેલ સમયમાં તેમની સાથે છે.